ટોક્યો, 4 ઓક્ટોબર (હિ.સ): જાપાનના ભૂતપૂર્વ આર્થિક સુરક્ષા પ્રધાન સનાઈ તાકાઈચી શનિવારે શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી) ના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયા, જેનાથી દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો.
જાપાન ટાઈમ્સ અનુસાર, તેમણે નિર્ણાયક બીજા રાઉન્ડના મતદાનમાં કૃષિ પ્રધાન શિંજીરો કોઈઝુમીને હરાવ્યા. કોઈઝુમી ભૂતપૂર્વ વડા પ્રધાન જુનિચિરો કોઈઝુમીના પુત્ર છે. આ ચૂંટણી ભૂતપૂર્વ વડા પ્રધાન શિગેરુ ઇશિબાના રાજીનામા બાદ થઈ હતી, જેમની સરકારે સંસદીય બહુમતી ગુમાવી દીધી હતી.
પક્ષના નેતૃત્વની રેસમાં પાંચ ઉમેદવારોમાંથી કોઈને પણ મતદાનના પ્રથમ રાઉન્ડમાં બહુમતી ન મળ્યા પછી, બીજા રાઉન્ડમાં તાકાઈચીને 185 મત મળ્યા જ્યારે કોઈઝુમીને 156 મત મળ્યા.
તાકાઈચીને કાયદા ઘડનારાઓ તરફથી 149 મત અને એલડીપી સભ્યો તરફથી 36 મત મળ્યા, જે કોઈઝુમીના કાયદા ઘડનારાઓ તરફથી 145 મત અને પાર્ટીના સ્થાનિક શાખા સંગઠન (પ્રીફેક્ચરલ ચેપ્ટર) તરફથી 11 મતોથી ઘણા આગળ છે. પક્ષના નેતૃત્વ પદ માટે આ તકાઈચીની ત્રીજી દાવેદારી હતી.
હિન્દુસ્થાન સમાચાર/નવની કરવાલ/સચિન બુધૌલિયા
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ