નવી દિલ્હી, 8 ઓક્ટોબર (હિ.સ.). 93મા વાયુસેના દિવસ પર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય લોકોએ બહાદુર સૈનિકોની હિંમત, સમર્પણ અને દેશભક્તિની પ્રશંસા કરતા શુભેચ્છાઓ પાઠવી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરેલી એક પોસ્ટમાં કહ્યું કે, ભારતીય વાયુસેના હંમેશા સાહસ, સમર્પણ અને શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરે છે. વાયુસેનાના જવાનોને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે, તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં દેશની સેવા કરવા અને રાષ્ટ્રને ગૌરવ અપાવવા માટે તૈયાર રહે છે.
ગૃહમંત્રી અમિત શાહે, વાયુસેના દિવસ પર દેશના આકાશ રક્ષકોને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે, ભારતીય વાયુસેના માત્ર રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી જ નિભાવતી નથી પરંતુ કુદરતી આફતો દરમિયાન દેશવાસીઓની સેવા કરવામાં પણ મોખરે રહે છે. તેમણે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ભારતીય વાયુસેના હિંમત, વ્યાવસાયિકતા અને દેશભક્તિનું પ્રતિક છે. તેમણે રાષ્ટ્ર સેવામાં વાયુસેનાના યોગદાનની પ્રશંસા કરી.
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વાયુસેનાના નાયકોને હૃદયપૂર્વક સલામ કરી. તેમણે તેમની અદમ્ય હિંમત, બલિદાન અને વફાદારીને રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ ગણાવી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સંસ્કૃતમાં નભહ સ્પૃશં દીપ્તમ લખીને વાયુસેનાના કર્મચારીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે, દેશ હંમેશા તેમની સેવા અને બલિદાન માટે આભારી રહેશે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, સાંસદ ડૉ. મહેશ શર્મા, દિલ્હી સરકારના મંત્રી પ્રવેશ વર્મા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વાયુસેના દિવસ પર સ્કાય-ગાર્ડ્સને અભિનંદન આપ્યા.
દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે, ભારતીય વાયુસેના દેશના 1.4 અબજથી વધુ નાગરિકોના સપનાઓનું હિંમત અને સમર્પણથી રક્ષણ કરે છે. તેમણે વાયુસેના સાથે જોડાયેલા હોવાનો ગર્વ વ્યક્ત કર્યો અને દરેકને વાયુસેના દિવસની શુભકામનાઓ પાઠવી.
ભારતીય વાયુસેના દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. તે 1932માં ભારતીય વાયુસેનાની રચનાની વર્ષગાંઠ નિમિત્તે ઉજવવામાં આવે છે. ભારતીય વાયુસેનાની સ્થાપના બ્રિટિશ રાજ દરમિયાન થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ