પાટણ, 9 ઓક્ટોબર (હિ.સ.)
પાટણની હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલ અનાવાડાના લાભાર્થે યોજાનાર શ્રી અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત ગૌ ભાગવત કથાના પ્રસાર માટે ભવ્ય ગૌ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા પાટણ પંથકના ગામોમાં ભ્રમણ કરીને ગૌ ભક્તિ અને સંસ્કૃતિનો સંદેશ ફેલાવશે. રથયાત્રાનું પ્રસ્થાન રવિવાર, ૧૨મી ઑક્ટોબર ૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે વાળીનાથ ચોક, રાજપૂત સમાજ ખાતેથી થશે. બાલ બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજના વૈદિક મંત્રોચ્ચાર સાથે કપિલા રથ, સુરભી રથ અને દેવકી રથનું પ્રસ્થાન કરવામાં આવશે.
પ્રસ્થાન સમયે ૫૧ બાલિકાઓ ઘડા અને શ્રીફળ સાથે ઉપસ્થિત રહેશે અને ૨૧ ઢોલ, શંખનાદ, શરણાઈ અને ફટાકડા સાથે ભવ્ય અને ભક્તિમય વાતાવરણ સર્જાશે. ટી.બી. ત્રણ રસ્તા સુધી ભગવા ઝંડીઓ અને ગૌ રથો સાથે શોભાયાત્રા યોજાશે. આસપાસની સોસાયટીઓના નાગરિકો પણ ઉત્સાહભેર જોડાશે. યાત્રા પૂર્વે આસોપાલવના તોરણો બાંધી, ગૌ માતાની આરતી ઉતારવામાં આવશે અને શ્રીફળ વધેરાશે.
રથયાત્રા ગામે ગામ ફરીને ભાગવત કથાના પ્રચાર માટે કાર્ય કરશે. રથોમાં એલ.ઈ.ડી. સ્ક્રીન મારફતે કથાની માહિતી આપવામાં આવશે. દરેક ગામમાં નાની સભાઓ યોજાશે, તેમજ બેનરો, સ્ટિકરો અને પેમ્ફલેટ દ્વારા કથાનું આગોતરું આયોજન કરવામાં આવશે. ગ્રામજનોને ભાવપૂર્વક ભાગવત કથામાં જોડાવા માટે આમંત્રણ અપાશે.
હરિમ ગૌશાળા અનાવાડા તરફથી ગૌ ભક્તો અને રાષ્ટ્રપ્રેમી સજ્જનોને ૧૨મી ઑક્ટોબરે સવારે ૯ વાગે વાળીનાથ ચોક ખાતે અવશ્ય ઉપસ્થિત રહેવા અને ઓછામાં ઓછો એક દિવસ રથયાત્રામાં સેવા આપવા વિનંતી કરવામાં આવી છે. મુકુંદ પ્રકાશજી મહારાજે માતૃશક્તિ અને સજ્જન શક્તિ સંમેલનને સફળ બનાવનાર તમામ ભક્તોનો આભાર માન્યો અને રથયાત્રાની સફળતા માટે સૌના સહયોગની પ્રાર્થના કરી હતી. પાટણ પંથકના ઇતિહાસમાં આ પ્રકારની આગોતરી તૈયારી પ્રથમવાર જોવા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ