સુરત , 9 ઓક્ટોબર (હિ.સ.)-સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલયમાં 8 ઑક્ટોબરના બપોરે બે કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં ભાજપ કાર્યકર્તા દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે, થયેલી બબાલ બાદ દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને લાફો ઝીંકી દીધો હતો. આ મામલે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે બંને કાર્યકર્તાઓને નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં લેખિતમાં જવાબ આપવા સૂચના આપી છે.
મળતી માહિતી મુજબ, શૈલેષ જરીવાલાએ ઉધના પોલીસ મથકે દિનેશ સાવલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જણાવાય છે કે, બંને વચ્ચેનો ઝગડો એક નાની બાબતે થયો હતો.
વીડિયો વાયરલ થતાં ભાજપની પ્રતિષ્ઠા પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે, “આ મામલે બંનેને નોટિસ આપવામાં આવી છે અને ત્રણ દિવસમાં લેખિત જવાબ માંગવામાં આવ્યો છે। તપાસ બાદ જો કોઈ દોષિત જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
આ ઘટનાએ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચકચાર મચાવી દીધી છે અને સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે