જામનગરના CA સામે કરોડો રૂપિયાની GST ચોરી અંગેની ઊંડાણપૂર્વકની તપાસ બાદ ગુનો દાખલ
જામનગર, 9 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર ઓફિસ ધરાવતા એક CA સામે જીએસટી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે, અને છેલ્લા છ દિવસથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં કરોડો રૂપિયાની જીએસટીની ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું
જીએસટી પ્રતીકાત્મક તસવીર


જામનગર, 9 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર ઓફિસ ધરાવતા એક CA સામે જીએસટી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે, અને છેલ્લા છ દિવસથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં કરોડો રૂપિયાની જીએસટીની ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, ત્યારે મોટી લાખાણી ગામના એક વેપારીની ફરિયાદના આધારે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પ્રથમ ગુનો દાખલ કરાયો છે, અને 2 કરોડ 93 લાખથી વધુની જીએસટી ચોરી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરમાં હિરજી મીસ્ત્રી રોડ પર બ્રહ્મ એન્ડ એસોસિયેટ નામની ઓફિસ ધરાવતા અલ્કેશભાઇ પેઢડિયા નામના ચાર્ટર એકાઉન્ટન્ટ કે જેણે કરોડોની જીએસટીની ચોરીનું કૌભાંડ આચર્યું હોવાની માહિતીના આધારે જીએસટી વિભાગ દ્વારા તેની ઓફિસ તથા રહેણાક મકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા અને થોક બંધ સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે. છેલ્લા છ દિવસથી આ પેટીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, અને દિન પ્રતિ દિન નવા ખુલાસાઓ થતા જાય છે, અને 500 કરોડથી પણ વધુની જીએસટી ચોરી કરાઇ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળી રહ્યું છે.

જામનગરના જીએસટી વિભાગના અધિકારી ભવનેશ દેસાઈ અને તેઓની ટીમ દ્વારા હાલ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે, જે દરમિયાન અલ્કેશ પેઢડિયા કે જે હાલ ફરાર થઈ ગયો છે, પરંતુ તેણે જુદી જુદી વેપારી પેઢીઓના નામે કૌભાંડ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જે પૈકીના એક વેપારી પ્રદિપસિંહ લાલુભા જાડેજા કે જેઓ જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં રહે છે, અને વાહનના સ્પેરપાર્ટસના વેચાણની પેઢી ધરાવે છે. જેઓ 2017ની સાલથી જીએસટી અંગેનું કામકાજ અલ્કેશ પેઢડીયા મારફતે કરાવે છે. અને જીએસટી વિભાગમાં પોતાનો જ મોબાઈલ નંબર આપ્યો હોવાથી તમામ ઓટીપી વગેરે તેના મોબાઇલમાં મળે છે.

જેમાં અનેક મોટા મોટા બોગસ બિલો દર્શાવીને કરોડોની જીએસટીની ચોરી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી જામનગર જીએસટી વિભાગના અધિકારી ભવનેશ દેસાઈ દ્વારા વેપારી પ્રદિપસિંહ જાડેજાને 2,93,83,332 જેવી માતબર રકમની નોટિસ પાઠવવામાં આવી હતી, અને કચેરીએ બોલાવાયા હતા. જેમાં તેમણે પોતાના નિવેદનમાં આ અંગે કશું જાણતા ન હોવાનું અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ખોટા બિલો દર્શાવી આ કૌભાંડ કર્યું હોવાની અને પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું હતું.

જેથી સમગ્ર મામલાને પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને અલ્કેશ પેઢડિયા સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં વેપારી પ્રદિપસિંહ જાડેજાની ફરિયાદના આધારે તેની સામે 2,93,83,332 ના વેરાની ચોરી અંગે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન.મોરી આ પ્રકરણની તપાસ ચલાવી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા પણ અલ્કેશ પેઢડિયાની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande