પાટણ, 9 ઓક્ટોબર (હિ.સ.)પાટણ શહેરમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી તથા મહિલા સશક્તિકરણને આથવો આપતાં, સૌપ્રથમવાર પિન્ક પરેડ (વોકાથોન)નું આયોજન 12મી ઑક્ટોબર, 2025, રવિવારના રોજ સવારે આનંદ સરોવર ખાતે થનાર છે. આ મેગા ઇવેન્ટનું આયોજન આસ્થા કિડની હોસ્પિટલના ડૉ. સુરેશભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ થયું છે. રોટરી ક્લબ ઓફ પાટણ, પાટણ જિલ્લા પોલીસ, આઇ.એમ.એ. પાટણ તથા 100 રચયિતા ફાઉન્ડેશન સહયોગી સંસ્થાઓ છે. શહેરમાં લગભગ 3 કિ.મી.નું વર્તુલ લગાવતો આ વોકાથોન આનંદ સરોવરથી શરૂ થઇ ત્યાં જ પૂર્ણ થશે, જેમાં 700થી વધુ મહિલાઓ પિન્ક ટી-શર્ટ અને ટોપી સાથે ભાગ લેશે.
વોકાથોન બાદ આનંદ સરોવર ખાતે કેન્સર જાગૃતિ માટે વિશેષ સેશનનું આયોજન કરાયું છે. જેમાં જાણીતા તબીબો – ડૉ. જયેશ રાવલ, ડૉ. ભાવિન વડોદરિયા, ડૉ. નૈસર્ગીબેન અને ડૉ. નુપુરબેન, કેન્સરના સમયસરના નિદાન, સારવાર અને બચાવ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપશે.
આ યથાર્થ પ્રયાસ અંગે માહિતી આપતાં ડૉ. સુરેશભાઈ ઠક્કર અને રોટરી ક્લબના પ્રમુખ ડૉ. પરિમલ જાનીએ જણાવ્યું હતું કે, પાટણના ઇતિહાસમાં પ્રથમવાર આટલા વિશાળ પાયે કેન્સર જાગૃતિ માટે પિન્ક પરેડનું આયોજન થયું છે. કાર્યક્રમમાં ધારપુર હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. પારુલબેન શર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ઉપસ્થિત રહેશે. પાટણના તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાઈ મહિલા આરોગ્ય અને સશક્તિકરણ માટે સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ