ગીર સોમનાથ 9 ઓક્ટોબર (હિ.સ.): વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રશ્નાવડા ખાતે વિકાસરથ આવી પહોંચ્યો હતો. ધારાસભ્ય ભગવાન બારડના અધ્યક્ષસ્થાને પ્રશ્નાવડાના સાયક્લોન સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિકાસરથના માધ્યમથી ગ્રામજનોને વિવિધ યોજનાકીય સહાય આપવામાં આવી. આ વિકાસરથના માધ્યમથી જિલ્લા પંચાયતની લોઢવા તથા ધામળેજ બેઠક અંતર્ગત આવતા ગામોના વિવિધ યોજનાઓના કુલ રૂ.૮૦.૫૦ લાખના ૭ કામોના લોકાર્પણ તેમજ રૂ.૪૨.૯૮ લાખના ૧૪ કામોના ખાતમૂહુર્ત કરવામાં આવ્યા હતાં.
ધારાસભ્ય ભગવાનબારડે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતની સાથે ગીર સોમનાથ જિલ્લામાં 'વિકાસ સપ્તાહની' ઉમંગભેર ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાનહંમેશા છેવાડાના માનવીની ચિંતા કરે છે. વડાપ્રધાનના વિકસિત ભારતનાં સંકલ્પ તરફ આપણે આગળ વધી રહ્યાં છીએ ત્યારે આ સંકલ્પમાં સ્વચ્છતા, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, પ્લાસ્ટિક નાબૂદી સહિત તમામ અભિયાન થકી નાગરિકોની ભાગીદારીનું તેમણે આહવાન કર્યું હતું.ધારાસભ્યએ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ વ્યસનમુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી પર ભાર મૂક્યો હતો
ધારાસભ્ય ભગવાનબારડ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના કાર્ડ, વૃદ્ધસહાય મંજૂરી હુકમ, એન.આર.એલ.એમ સહિત વિવિધ યોજનાકીય સહાય આપવામાં આવી હતી તેમજ માતૃશક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિ ટેકહોમ રાશનનું વિતરણ કરાયું હતું. સંચાલક રમેશભાઈ વાળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સહકારક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તન, જી.એસ.ટી રિફોર્મ્સ તેમજ સોલાર રૂફટોપ સહિત યોજનાઓ વિશે માહિતગાર કરી અને ગીર સોમનાથ જિલ્લામાં થયેલા વિકાસલક્ષી કામોની વાત રજૂ કરી હતી. પ્રશ્નાવડાના સાયકલોન સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સ્ટોલ તેમજ આંગણવાડીના બહેનો દ્વારા પૌષ્ટિક આહારનું નિદર્શન યોજવામાં આવ્યું હતું.
ઉપસ્થિત સર્વેએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી હતી તેમજ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી નાયબ મામલતદારશ અગ્રણી શૈલેન્દ્ર રાઠોડ, જાદવ ભોળા, મસરીભાઈ રાઠોડ, કેશુ જાદવ સહિત ગ્રામજનો સહભાગી થયાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ