ગીર સોમનાથ, 9 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૪ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છે, જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં કાજલી ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછારની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ગીર સોમનાથની ભાલપરા બેઠક હેઠળ આવતા ગામોના વિવિધ યોજનાઓના લોકાર્પણના રૂ. ૧૮.૫૦ લાખના કુલ ૭ કામો, અને રૂ.૨૪.૬૦ લાખના ૯ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં. અગ્રણી માનસિંહ પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક વિકાસલક્ષી યોજનાના કેન્દ્રમાં દેશના સામાન્યજનને રાખ્યો છે. વિકાસના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે બાબત પર વડાપ્રધાનશ્રીએ ભાર મૂક્યો છે.
વડાપ્રધાનના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર ગ્રામીણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય સહિતની તમામ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે દિશામાં ગત અઢી દાયકામાં થયેલા ભગીરથ પ્રયાસોના સુંદર પરિણામો આપણને પ્રાપ્ત થયા છે. એમ એમણે ઉમેર્યું હતું. વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી. મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે અગ્રણી નરેન્દ્રસિંહ ઝાલા, પ્રદ્યુમનસિંહ ડોડિયા, અરવિંદ સોલંકી, રાજેશ ભજગોતર, સરપંચ મેરગભાઈ બારડ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ