વલસાડ , 9 ઓક્ટોબર (હિ.સ.)- “વિકાસ સપ્તાહ – 2025”
અંતર્ગત જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરની કચેરી,
વલસાડના માર્ગદર્શન હેઠળ,
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,
વલસાડ દ્વારા તા. 07 ઓક્ટોબર 2025ના રોજ “વિકાસ સપ્તાહ – 2025”
ની ભવ્ય ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.
આ
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ,
નાગરિક જાગૃતિ, સુશાસન પ્રત્યે વિશ્વાસ અને વિકાસમુખી દૃષ્ટિકોણ વિકસાવવાનો હતો. શિક્ષણ વિભાગના
સહયોગથી જિલ્લાના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ — સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ, નોન ગ્રાન્ટ-ઇન-એઇડ, CBSE તથા અન્ય બોર્ડની શાળાઓએ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆત વિકાસ સપ્તાહ શપથ અને ભારત વિકાસ પ્રતિજ્ઞા સાથે કરવામાં આવી
હતી. જેમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકમંડળે “રાષ્ટ્ર પ્રથમ”ના મંત્રને સ્વીકારી દેશના
સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
શાળા
સ્તરે સુશાસન થકી વિકાસ, શાંતિ, શક્તિ અને સમૃદ્ધિ,
સ્ટાર્ટઅપ થકી સમૃદ્ધિ,
ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ સંતુલન, મહિલા સશક્તિકરણ, તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા વિષયો પર ચર્ચા,
વ્યાખ્યાન, વકતૃત્વ
તથા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ક્વિઝ સ્પર્ધા, નિબંધ લેખન, વકતૃત્વ, પ્રવચન, તજજ્ઞ
વ્યાખ્યાન/વેબિનાર, તથા
ભીંતચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ
પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ દેશના વિકાસમાં પોતાની ભૂમિકા અંગે જાગૃતિ મેળવી તથા
“વિકસિત ભારત 2047” ના દિશામાં યોગદાન આપવાની પ્રેરણા મેળવી હતી. જિલ્લાની કુલ 329 શાળાઓમાં 2238 શિક્ષકો અને 43,833 વિદ્યાર્થીઓ સહિત કુલ 46,071 સહભાગીઓએ વિકાસ સપ્તાહના કાર્યક્રમોમાં ભાગ લીધો.
ક્વિઝ સ્પર્ધામાં 3549, નિબંધ સ્પર્ધામાં 4777,
વકતૃત્વ સ્પર્ધામાં 2455,
પ્રવચન/વેબિનારમાં 6737 અને ભીંતચિત્ર સ્પર્ધામાં 9784 વિદ્યાર્થીઓએ
ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે