


મહેસાણા, 10 નવેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનું ચંદ્રોડા ગામ આજે “તુવેર ગામ” તરીકે ઓળખાય છે. પહેલાં એરંડા અને કપાસ જેવા પાક માટે જાણીતું આ ગામ છેલ્લા બે-ત્રણ વર્ષમાં તુવેરના વાવેતર તરફ આગળ વધ્યું છે. મજૂરોની અછત અને વધતા ખેતી ખર્ચ વચ્ચે તુવેર ખેડૂતો માટે લાભદાયક વિકલ્પ બની રહ્યું છે.ખેડૂત સલીમ નાગોરી જણાવે છે કે એરંડા પાકમાં રોજિંદી મજૂરી અને જીવાતના ઉપદ્રવથી ખર્ચ વધી જાય છે, જ્યારે તુવેર પાકમાં ન તો વધારે મજૂરીની જરૂર પડે છે, ન તો દવા અને ખાતરનો ખર્ચ. તુવેરમાં ફક્ત બે પિયત પૂરતા રહે છે અને જીવાતનો પ્રહાર પણ ઓછો થાય છે. પ્રતિ વીઘા 35 થી 40 મણનું ઉત્પાદન મળતાં આશરે ₹40,000 થી ₹50,000 સુધીની આવક મળે છે.હાલ ગામની અંદાજે 1000 વીઘા જમીનમાં તુવેરનું વાવેતર થાય છે. હારીજ માર્કેટ યાર્ડમાં રૂ.1500 થી રૂ.1800 પ્રતિ મણના ભાવે વેચાતા આ પાકથી ખેડૂતોને સ્થિર અને સારી આવક મળી રહી છે. ઓછા ખર્ચે વધુ નફો આપતો તુવેર પાક ચંદ્રોડા ગામને બહુચરાજી તાલુકાનું એક આદર્શ કૃષિ મોડેલ બનાવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR