
ગીર સોમનાથ 10 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રનિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ, ૧૫ મી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ અંતર્ગત આગામી ૧૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ તાલાલા તાલુકાના માધુપુરમાં પટેલ સમાજની વાડી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
જિલ્લાકક્ષાનો આ કાર્યક્રમના સુચારુ રીતે યોજાય એ માટે જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેકટરએ આ કાર્યક્રમને સમાનાંતર યોજાનાર આરોગ્ય કેમ્પ, સેવાસેતુ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિશે સંલગ્ન વિભાગો વિશે ચર્ચા કરી હતી અને સ્ટોલ્સના માધ્યમથી વિવિધ નાગરિકલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
જનજાતિય ગૌરવ રથ યાત્રાના પૂર્વે શાળાઓમાં ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિષય પર વિવિધ ચિત્ર, વકૃત્વ, નિબંધ સ્પર્ધાઓ અને રમતોનું પણ આયોજન કરવામાં આવશે તેમજ પ્રતિભાવાન ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર પારસ વાંદા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ કલેક્ટર એફ.જે.માકડા, પ્રાયોજના અધિકારી આર.એસ.સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) ડી.પી.ચૌહાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ) અજય શામળા, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાઓના ચીફ ઓફિસર્સ તેમજ શિક્ષણ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, આર.ટી.ઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ