
- પોષણક્ષમ ભાવો સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ પહેલ, પ્રતિ મણ દીઠ 1452.60નો ટેકાનો ભાવ જાહેર
- કળમાદ ગામના ખેડૂતની પ્રથમ ખરીદી સાથે પ્રક્રિયા શરૂ, ખેડૂત સમુદાયમાં આનંદની લાગણી
સુરેન્દ્રનગર, 10 નવેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકા સ્થિત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી ખાતે આજે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા મગફળીના ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ કરાવ્યો હતો. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી આ મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે.
ટેકાના ભાવો અંગેની વિગતો અપાતા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મગફળી માટે પ્રતિ મણ દીઠ (20 કિલો) રૂ. 1452.60નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આજે આ ભાવે એપીએમસી સેન્ટર પર ખરીદીની શરૂઆત કરવામાં આવી છે.
ખરીદી પ્રક્રિયાના પ્રારંભ રૂપે, કળમદ ગામના એક ખેડૂતની મગફળીની પહેલી ખરીદી કરવામાં આવી, જેની સાથે જ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું કાર્ય સુચારુ રીતે શરૂ થઈ ગયું છે. આ પ્રક્રિયા દ્વારા મૂળી તાલુકાના ખેડૂતોને તેમની મગફળીના સારા ભાવો મળવાની ખાતરી આપવામાં આવી છે, જે ખેડૂત સમુદાયમાં આનંદ અને સંતોષની લાગણી જગાડે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ