
જૂનાગઢ 10 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ-૨૦૨૫નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગર ઝોનકક્ષા સ્પર્ધાનો શુભારંભ ધારાસભ્ય સંજય કોરડીયા, કમિશ્નર તેજસ પરમાર, ચેરપર્સન સ્થાયી સમિતિ પલ્લવી ઠાકર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતીમાં ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય સંજય કોરડીયા સહિતના મહાનુભાવો દ્રારા જૂનાગઢનું ગૌરવ વધારી રહેલા સૌ રમતવીરોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત તમામ દ્વારા સ્વદેશી શપથ અને ફીટ ઇન્ડિયા શપથ ગ્રહણ કર્યા હતા. શહેર વ્યાયામ મંડળના પ્રમુખ જીગ્નેશ ચાવડાનું રાજ્ય મંડળના મંત્રી બનવા બદલ જિલ્લા રમત ગમત અધિકારી મનીશ જીલડીયા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવ દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ