
જૂનાગઢ 10 નવેમ્બર (હિ.સ.) ૧૦૯૮- ચાઈલ્ડ હેલ્પલાઇન એટલે બાળકો માટેની એક તાત્કાલિક મદદ સેવા emergency helpline services છે. જેમાં કોઈપણ બાળક અથવા કોઈપણ વ્યક્તિ મુશ્કેલીમાં કોઈ બાળકને જોવે તો મદદ માંગવા માટે ફોન કરી શકે છે. આ એક નિઃશુલ્ક સેવા છે. ચાઈલ્ડ હેલ્પલાઇન બાળકો પર થતી હિંસા, શોષણ, દુર્વ્યવહાર, મજૂરી અથવા લાપતા બાળકો વિશે જાણ કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત બિનવારસી, અનાથ, ગરીબ, રસ્તા પર રહેતા, અથવા તાત્કાલિક સહાયની જરૂર ધરાવતા બાળકોને બચાવવા માટે કાર્યરત છે.
ચાઈલ્ડ હેલ્પલાઇન એ આવા બળોને રાહત, આશ્રય, ખોરાક, કાઉન્સેલિંગ અને કાનૂની મદદ જેવી સેવા આપે છે. તેમજ તેઓ પોલીસ, હોસ્પિટલ અને સમાજસેવી સંસ્થાઓ સાથે મળી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું સદકાર્ય સતત આગળ ધપાવી રહ્યા છે. અત્રે સુરક્ષાની દ્રષ્ટીએ કોલ કરનારનું નામ અને માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.
તાજેતરમાં ચાઈલ્ડ હેલ્પલાઈન જૂનાગઢમાં એક કોલ આવ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢ રેલ્વે સ્ટેશન પરથી એક ત્રણ વર્ષનું બાળક મળી આવેલ છે. આ બાળક અને તેમની નાની બહેન તેમના દાદાની સાથે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય ખાતે ફરવા માટે આવ્યા હતા અને જૂનાગઢથી પોતાના વતન રાજકોટ જવા માટે રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા હતા.
જ્યાં તેમના દાદા ટિકિટ લેવા માટે ગયા હતા, એટલી જ વારમાં બાળક તેમનાથી વિખૂટું પડી ગયેલ અને બાળક ડરી જતા રડવા લાગ્યું હતું. આ મૂંઝાયેલા બાળકની ખબર મળતા તાત્કાલિક ધોરણે ૧૦૯૮ની ટીમમાંથી કાઉન્સેલર પરમાર પુનમબેન દ્વારા આ બાળકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તે બાળકના દાદાને શોધીને અને જરૂરી તમામ ડોક્યુમેન્ટસ તપાસ્યા હતા. તે ચેક કરીને ત્યારબાદ GRPE, RPF તેમજ રેલવેના સ્ટાફને સાથે રાખીને આ બાળકને તેમના દાદાને ચાઈલ્ડ હેલ્પલાઇન સુપરવાઈઝર સોલંકી ભરતકુમાર, ચૌહાણ વિમલભાઈ, પરમાર દર્શકભાઈ, કેશવર્કર દ્વારા હેમખેમ સોંપી દેવામાં આવ્યું હતું. આમ દિવાળીના પર્વ નિમિતે રજામાં ફરવા આવેલા માસુમ ભુલકાને તેના પરિવારને સોંપતા પરિવારે રાજ્ય સરકારશ્રી અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ