
અમદાવાદ,10 નવેમ્બર (હિ.સ.) દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતી નિમિત્તે ભારતીય મજદૂર સંઘ દ્વારા આજે સાબરમતી રિવરફ્રન્ટ પર 161 યુનિયનો અને મહાસંઘના કાર્યકરોનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલાં 161 યુનિયનો અને મહાસંઘના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં છે. દરેક સંગઠન પોતાના પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં ભેગા થયા છે. આ પડતર માગણીઓને લઈને મોટી સંખ્યામાં ભેગા થઈને ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓ સરકાર સામે દેખાવો કરશે. તમામ યુનિયનો પોતપોતાનાં સંગઠનો સાથે રિવરફ્રન્ટ પર પહોંચી રહ્યાં છે. નાની નાની રેલીસ્વરૂપે પોતાની માગણીઓને લઈને યુનિયન મહાસંમેલન માટે પહોંચી રહ્યાં છે.
ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે 14 પ્રકારના આવેદનપત્રો તૈયાર કરવામાં આવ્યા છે. સાંજે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓને આવેદનપત્ર આપવામાં આવશે. જો સરકારની આંખ નહીં ખૂલે તો શ્રમિકોનો આક્રોશ પરાકાષ્ઠાએ જશે.
મહાસંમેલન બાદ યુનિયનના 5-5 સભ્ય મુખ્યમંત્રી સહિત તમામ વિભાગોના મંત્રીઓને આવેદનપત્ર આપશે.
જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના મુદ્દાઓને લઈને જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અનેક વખત ચર્ચા થયા બાદ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ના આવતાં વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગજગતમાં કામ કરતા કર્મચારીઓ માટે કામના કલાકો 8 કલાકથી વધારીને 12 કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ચર્ચા-વિચારણા કરી એક સમિતિ બનાવવી. આ સમિતિમાં ભારતીય મજદૂર સંઘનું પ્રતિનિધિત્વને સ્થાન આપવું. આ મુદ્દે ઉદ્યોગોમાંથી આવેલી રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવે એવી પણ માગ કરી છે. જ્યાં સુધી સમિતિનું ગઠન ના થાય ત્યાં સુધી નિર્ણયનો અમલ ના કરવામાં આવે એવી પણ માગ કરવામાં આવી છે.
ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ભારતીય મજદૂર સંઘના વિવિધ સંગઠનોએ પડતર માંગણીઓને લઈને સરકાર પાસે અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ પડતર માંગણીઓનું નિરાકરણ ના આવતા શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતી નિમિતે શોષિત અને પીડિત કર્મચારીઓ એકઠા થયા છે.
આંગણવાડી બહેનોનો હાઇકોર્ટમાં ચુકાદો આવ્યો છે કે લઘુત્તમ વેતનના કર્મચારીઓને કાયમી કર્મચારી કરવામાં આવે, આશા વર્કરના પણ પોતાના પ્રશ્નો છે. જેથી 14 પ્રકારના આવેદન પત્રો તૈયાર કરવામાં આવ્યા છે. સાંજે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓને આવેદનપત્ર આપવામાં આવશે. જો સરકારની આંખ નહીં ખુલે તો શ્રમિકોનો આક્રોશ પરાકાષ્ઠાએ જશે.
આકરા તાપને કારણે ઓઢણીના સહારે કર્મચારી બહેનો
આકરો તાપ હોવા છતાં પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ અડગ હોવા મળી રહ્યા છે. આકરા તાપથી બચવા માટે ઓઢણીના સહારે કર્મચારી બહેનો મહાસંમેલનમાં બેસેલી જોવા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ