


પોરબંદર, 10 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ – 2025 અંતર્ગત પોરબંદર તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધાનું સફળ આયોજન ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો એમ કુલ 129 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ભાઈઓના 88 તથા બહેનોના 41 ખેલાડીઓનો સમાવેશ થયો હતો. સ્પર્ધા અંડર–11, અંડર–14, અંડર–17, ઓપન આઈઝ, અબવ - 40 વર્ષ અને અબવ–60 વર્ષ ઉંમરની કેટેગરીઝમાં યોજાઈ હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં સ્પોર્ટ્સ એન્ડ યોગ કલ્ચર એસોસિયેશનના સેક્રેટરી દીપભાઈ સનિગ્રા, સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત – પોરબંદર એસોસિયેશનની ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ મેનેજર રિતલબેન બાદશાહી, ચેસ એસોસિયેશન પોરબંદરના કોચ મૈત્રેભાઈ સોનેજી, કમલભાઈ માખેચા, દિવ્યેશભાઈ થોભાણી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષરૂપે છેલ્લા 20 વર્ષથી ચેસ સ્પર્ધામાં સતત ભાગ લેતા કાંતાબાની હાજરીએ સ્પર્ધકોના ઉત્સાહમાં વધાર્યો કર્યો હતો.આ સ્પર્ધાનું સફળ આયોજન શ્રીમતી શાંતિબેન ભૂતિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya