
- કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે 10000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર
- પ્રતિ ખેડૂત દીઠ મગફળીની ખરીદીની મર્યાદા વધારીને 2500 કિલો કરાઈ
સુરેન્દ્રનગર,10 નવેમ્બર (હિ.સ.) ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન અને તારાજી સામે ગુજરાત સરકારના ખેડૂતલક્ષી નિર્ણયોને વઢવાણ એપીએમસીના વાઇસ ચેરમેન અસવાર જગદીશસિંહ ગંભીરસિંહ દ્વારા હૃદયપૂર્વક આવકાર આપવામાં આવ્યો છે.
અસવાર જગદીશસિંહે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂતોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને 10000 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે. તેમણે આ નિર્ણયને ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતો માટે જાહેર કરાયેલું પ્રથમ આટલું મોટું પેકેજ ગણાવ્યું છે, અને આ બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
વધુમાં, તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોની સાથે ઊભી રહી છે અને દરેક આપાતકાલીન પરિસ્થિતિમાં મદદ કરી છે. રાહત પેકેજ ઉપરાંત, ગુજરાત સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાના નિર્ણયમાં પણ મહત્વનો ફેરફાર કર્યો છે. અગાઉની મર્યાદામાં વધારો કરીને, સરકારે પ્રતિ ખેડૂત દીઠ 2500 કિલો મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય ખેડૂતો માટે આવકાર્ય છે અને તેમને આર્થિક સહાય પૂરી પાડશે.
જગદીશસિંહે અંતમાં ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર ખેડૂતલક્ષી વિચારોને વરેલી છે અને સતત સબસિડી યોજનાઓ અને લાભો ખેડૂતો માટે લાવતી રહે છે. તેમણે ફરી એકવાર 10000 કરોડના ઐતિહાસિક પેકેજ બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ