

પાટણ, 12 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના બીલીયા સ્થિત પ્રકાશ વિદ્યાલય ખાતે એસ.વી.એસ. કક્ષાનું 27મું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાયું હતું. આ પ્રદર્શનમાં તાલુકાની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમના સર્જનાત્મક પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા.
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યારે જિલ્લા કચેરીના મદદનીશ કેળવણી નિરીક્ષક કનુભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ બાળ વૈજ્ઞાનિકોના પ્રયોગો નિહાળી તેમની મહેનત અને પ્રતિભાને બિરદાવ્યા હતા. આ પ્રસંગે સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખનું પ્રકાશ વિદ્યાલય પરિવાર તરફથી શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું.
બીલીયા કેળવણી મંડળના હોદ્દેદારો અને આચાર્ય સુરેશભાઈ સુંઢિયાએ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન કર્યું હતું. એસ.વી.એસ. કન્વીનર અને એલ.એસ. હાઈસ્કૂલ, સિદ્ધપુરના આચાર્ય મુકેશભાઈ ચૌધરીએ એસ.વી.એસ. વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં તમામ શાળાના આચાર્યો, ગણિત-વિજ્ઞાનના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ