
ગીર સોમનાથ 12 નવેમ્બર (હિ.સ.) અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળનાં પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા ની આગેવાની હેઠળ ગુજરાતનાં વિવિધ બંદરો જેમ કે વેરાવળ, પોરબંદર, ઓખા, જાફરાબાદ, વલસાડ, ભીડિયા, સુત્રાપાડા, ધામરેજ, ધોલાઈ, ઓંજલ તથા અન્ય અનેક બંદરોનાં માછીમાર આગેવાનઓએ ગુજરાત રાજ્યનાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાધાણી , નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, વન અને પર્યાવરણનાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોતમભાઈ સોલંકી ને ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત કરી માચ્છીમારોનાં પ્રશ્નોની રજુઆત કરેલ હતી.
તાજેતરમાં અરબી સમુદ્રમાં વારંવાર આવતા વાવાઝોડા અને ભારે વરસાદ, ભારે પવન નાં કારણે મત્સ્યોદ્યોગ વિભાગ દ્રારા માછીમારી કરવા ગયેલ બોટોને બંદર ઉપર પરત બોલાવવા આદેશ અપાયો હતો. જેના પરિણામે માછીમારોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. માછીમારોએ સરકાર પાસે માંગણી કરી કે જેમ ખેડૂતોને કુદરતી આફતોમાં થતા નુકસાન માટે વળતર આપવામાં આવે છે, તેમ માછીમારોને પણ આ નુકસાન માટે વળતર અપાય તેવી રજુઆત કરવામાં આવેલ.
માન. મંત્રીઓએ માછીમારોની માંગણીને સહાનુભૂતિપૂર્વક સાંભળી સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો તથા આ મુદ્દે આગામી બેઠક માન. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યોજી યોગ્ય નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી હતી.
આ મુલાકતમાં અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, સેકરેટરી પૃથ્વીભાઈ ફોફંડી, પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનનાં પ્રમુખ મુકેશાભાઈ પાંજરી, સેકરેટરી રાજુભાઈ બાદરશાહી, કમિટિ મેમ્બર્સ અજયભાઈ લોઢારી, હર્ષભાઈ ગોહેલ, ભીડીયા ખારવા બોટ એસોસીએશન પ્રમુખ રમેશભાઈ ડાલકી અને કમિટિ મેમ્બર્સ, ગુજરાત માછી મહામંડળનાં પ્રમુખ વાસુભાઈ ટંડેલ તથા કારોબારી મેમ્બર્સ, વલસાડનાં માછીમાર પ્રતિનિધિઓ, નવગામ સમસ્ત કોળી માછીમાર સમાજનાં પ્રમુખ તથા કારોબારી મેમ્બર્સ, છ ગામ સમસ્ત ખારવા સમાજનાં માછીમાર પ્રમુખઓ, ખંભાતથી માછી સમાજનાં સુનીલભાઈ માછી આ તમામ આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ