
ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની ગુજરાત સરકાર સામાન્ય માનવીથી લઈને ગરીબ, વંચિત અને ગ્રામીણ વિસ્તારના લોકોનું જીવન સુવિધાસભર બને તે માટે ઈઝ ઓફ લિવિંગના અભિગમ સાથે જનકલ્યાણ માટે આગળ વધી રહી છે.
આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ બેઠકમાં રાજ્ય મંત્રી મંડળને અનિવાર્ય સંજોગો સિવાય અઠવાડિયાના પ્રથમ બે દિવસ એટલે કે, સોમવાર અને મંગળવારના રોજ ફરજિયાત જાહેર જનતા અને જન પ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળવા માટે આરક્ષિત કરવા દિશાનિર્દેશો આપ્યા છે.
આ સંદર્ભે મંત્રીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીએ આ બે દિવસોમાં મંત્રીઓ કોઈ અન્ય મીટીંગ કે અન્ય બેઠકોના આયોજનોના બદલે સમગ્ર દિવસ દરમિયાન પોતાના કાર્યાલયમાં જ રહીને તેમની પાસે આવતા નાગરિકોની રજૂઆતોને સાંભળે અને નિવારણ માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને જે જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે, તે જિલ્લાની મુલાકાત લઈને જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠકો યોજવા તથા જિલ્લામાં ચાલતા મહત્વપૂર્ણ ફ્લેગશીપ પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને તેની પ્રગતિ માટે જરૂરી ફોલોઅપ લેવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે.
વધુમાં, બધા જ પ્રભારી મંત્રીઓ તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની સમીક્ષા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તા. ૩૦ નવેમ્બર સુધીમાં પૂરી કરે અને મુખ્યમંત્રીને સ્થળ-સ્થિતિનો અહેવાલ સત્વરે આપવા માટે પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. રોડની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તે સુનિશ્ચિત કરવા તથા તેના પર જરૂરી સુપરવિઝન રખાવી તથા ક્યાંય પણ હલ્કી ગુણવત્તા જણાયતો સંબંધિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા પણ તેમણે આદેશ આપ્યા છે, તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ માતાઓ અને બાળકોના આરોગ્ય સંભાળ સહિતના આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં બાળમૃત્યુ દર અને માતા મૃત્યુદરના ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે સુસંગત રહી શકાય તે માટે વધુ સક્રિયતા સાથે કામ કરવા પણ મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ