
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)સરસ્વતી તાલુકામાં સતત વરસાદના કારણે ચોમાસુ પાકને નુકસાન પહોંચતાં ખેડૂતો પાછોતરા એરંડાનું વાવેતર કર્યું હતું. પરંતુ હવે કમોસમી વાતાવરણને કારણે એરંડાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે પાન ખરી રહ્યા છે અને ખેડૂતોમાં પાકના નુકસાનની ભીતિ વધતી જોવા મળી રહી છે.
સરસ્વતી તાલુકાના વાગડોદ, મોરપા, નાયતા સહિતના ગામોમાં એરંડાના પાકમાં ઈયળોનું ઝુંડ જોવા મળી રહ્યું છે. ખેડૂતોએ જણાવ્યું કે તેઓ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, છતાં ઈયળો એરંડાના પાન કોરી ખાઈ જાય છે. જો છંટકાવ પછી પણ ઈયળનો નાશ ન થાય, તો પાકમાં મોટું નુકસાન થવાની શક્યતા છે.
વિસ્તાર અધિકારી સુરેશભાઈ ચૌહાણે જણાવ્યું કે, એરંડાના પાન ઉપર આવેલી ઈયળ, જેને “કાતરા” પણ કહેવામાં આવે છે, જો માત્ર એક-બે છોડ પર હોય તો તે પાન તોડી ખેતરથી દૂર લઈ જઈ નાશ કરવી જોઈએ. પરંતુ ઉપદ્રવ વધુ હોય તો કાતરાના નિયંત્રણ માટે ક્લોરોસાયપર અથવા ઇમામેક્સન બેન્જોએટ જેવી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ