
પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા સ્થાનિક રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવા માટે આગામી શનિવાર, તા. 15 નવેમ્બર 2025 ના રોજ સવારે 11:00 કલાકે આઈ.ટી.આઈ, પોરબંદર ખાતે એક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં હિરાવતી મરીન પ્રોડક્ટ્સ, આદિત્ય સીનર્જી પ્રા.લી., કે.એ.રાઈચુરા & કો., હિંદુસ્તાન મરીન પ્રોડક્ટ્સ તેમજ દ્વારકાધીશ ટેક્ટર્સના નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે. આ ઇન્ટરવ્યૂમાં ગ્રેજ્યુએટ (ખાસ કરીને ટેલી સોફ્ટવેરના જાણકાર), ડિપ્લોમાં, બી.ઈ (સિવિલ અને ઇલેક્ટ્રીકલ), તેમજ આઈ.ટી.આઈ ડીઝલ મેકેનિક સુધીની વિવિધ લાયકાત અને અલગ-અલગ જગ્યાઓ માટેના ઉમેદવારો ભાગ લઈ શકશે.
પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોગ્ય પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારોને આ રોજગાર મેળામાં પોતાના જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી તકનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya