
પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના આદેશાનુસાર પોરબંદર જિલ્લામાં 'મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)-2026' હાલ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જાહેર જનતાની સુવિધા માટે ખાસ કેમ્પના દિવસો નિયત કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ અન્વયે, આગામી 15 નવેમ્બર, 2025 (શનિવાર), 16 નવેમ્બર, 2025 (રવિવાર), 22 નવેમ્બર, 2025 (શનિવાર), 23 નવેમ્બર, 2025 (રવિવાર) ના રોજ પોરબંદર જિલ્લાના તમામ મતદાન મથકો પર 'ખાસ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે 09:00 કલાકથી બપોરના 01:00કલાક સુધી ચાલશે.
આ કેમ્પ દરમિયાન, નિયત થયેલા બૂથ લેવલ ઓફિસર (BLO) પોતપોતાના મતદાન મથક પર હાજર રહેશે. નાગરિકો આ સમય દરમિયાન BLO ની મદદથી મેપિંગ/ લિંકીંગ કરાવી શકશે. જે મતદારોનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનુ નામ વર્ષ 2002 ની મતદારયાદીમાં ન હોય, તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે BLO માર્ગદર્શન આપશે.
મતદાર જન્મનો પ્રમાણપત્ર માટે શહેરી વિસ્તારમાં નગરપાલીકા / મહાનગરપાલીકા કચેરીનો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સંબંધિત તલાટી કમ મંત્રીનો સંપર્ક કરી શકશે. મતદાર https://voters.eci.gov.in પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ પણ ભરી શકે છે. ઉપરાંત, નાગરિકો મતદારયાદી સંબંધિત કામગીરી માટે વધુ માહિતી અને માર્ગદર્શન માટે, મતદાર હેલ્પલાઇન નંબર 1950 પર સંપર્ક કરી શકાશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 04 નવેમ્બર, 2025 થી 04 ડિસેમ્બર, 2025દરમ્યાન હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય, 09 ડિસેમ્બર, 2025 ના રોજ મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ, 9 ડિસેમ્બર, 2025 થી 8 જાન્યુઆરી, 2026 દરમ્યાન હક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો, 9 ડિસેમ્બર, 2025 થી 31 જાન્યુઆરી, 2026 સુધી નોટિસ સમય (સુનાવણી અને ચકાસણી) અને 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya