


પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી. કલેક્ટર એસ.ડી. ધાનાણીએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી તથા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે પોરબંદરમાં ભવ્ય પદયાત્રાનું આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી.
કલેક્ટરએ જણાવ્યું હતું કે, આવતીકાલે, શનિવાર, 15મી નવેમ્બર બપોરે 4:00 કલાકે ગાંધી સ્મૃતિ મંદિર, ચોપાટી ખાતેથી શરૂ થઈ - પેરેડાઈસ ફુવારા, હાર્મોની સર્કલ, સુદામા ચોક, અને માણેક ચોક થઈ શીતળા ચોક અને હનુમાન ગુફા થઈને રેલવે સ્ટેશન સર્કલ પાસે સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુ ખાતે સમાપ્ત થશે. આ પદયાત્રા આશરે 8 કિલોમીટર લાંબી રહેશે.
આ પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત જિલ્લાના તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ, આગેવાનો, અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. તેમજ જુદી જુદી સંસ્થાઓના સભ્યો, વેપારી સંસ્થાઓના પ્રતિનિધિઓ,આમ નાગરિકો, તથા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાશે.
પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ પોરબંદર શહેર અને જિલ્લાના તમામ નાગરિકોને આ પદયાત્રામાં જોડાવવા માટે હાર્દિક અપીલ કરી છે. નાગરિકોને બપોરે 03:45 કલાક સુધીમાં ગાંધી સ્મૃતિ મંદિર, ચોપાટી ખાતે ભેગા થવા વિનંતી છે.
કલેક્ટરએ વિશેષમાં જણાવ્યું હતું કે, જો કોઈ નાગરિક કોઈ કારણસર પદયાત્રામાં જોડાઈ ન શકે, તો તેઓ પદયાત્રાના માર્ગ દરમિયાન પોતાના નિવાસસ્થાન અથવા ધંધા-રોજગારના સ્થળેથી પણ પદયાત્રાનું સ્વાગત કરી શકે છે. તેમજ વધારે ચાલી ન શકે તેવા નાગરિકોને શક્ય હોય તેટલા સ્થળેથી પદયાત્રામાં જોડાઈને ભાગ લેવા માટે અપીલ કરી છે.
કલેક્ટરએ વિશેષમાં જણાવ્યું હતું કે, આ પદયાત્રા દરમિયાન કોઈપણ નાગરિકોને અગવડતાના પડે તે માટે ટ્રાફિક, સુરક્ષા, અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ચોક્કસ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પદયાત્રાના રૂટમાં માણેકચોકથી સાંકળા રસ્તા પર વ્યાપારીઓ પોતાના સામાનને બહાર ન રાખવા વિનંતી કરી હતી.આ પત્રકાર પરિષદ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, અધિક નિવાસી કલેકટર જે.બી. વદર, પોરબંદર
મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ, સહાયક માહિતી નિયામક નરેશ મહેતા સહિત વિવિધ સમાચાર માધ્યમોના પ્રતિનિધિઓ - પત્રકારોઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya