
નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર અંગે સારા સમાચાર ત્યારે જ આવશે જ્યારે તે વાજબી, ન્યાયી અને સંતુલિત હશે. ગોયલે કહ્યું કે ભારત ખેડૂતો અને માછીમારોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ, નવી દિલ્હીમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત 22મા ભારત-અમેરિકન આર્થિક સમિટને સંબોધતા આ નિવેદન આપ્યું હતું. ગોયલે સંકેત આપ્યો હતો કે, પ્રસ્તાવિત ભારત-અમેરિકન વેપાર કરાર પર પ્રગતિ નિકટવર્તી છે. તેમણે કહ્યું કે, એકવાર કરાર વાજબી, ન્યાયી અને સંતુલિત હોવાની ભારતની અપેક્ષાઓ પૂર્ણ કરશે, તો તમને સારા સમાચાર સાંભળવા મળશે. પીયૂષ ગોયલે કહ્યું કે, ભારત કરારમાં ખેડૂતો અને માછીમારોના હિતોને ધ્યાનમાં લેશે. તેમણે ભાર મૂક્યો કે આવા કરારો પર ચર્ચામાં સમય લાગે છે, કારણ કે, વેપાર કરારો માટેની વાટાઘાટો એક પ્રક્રિયા છે. એક રાષ્ટ્ર તરીકે, ભારત ખેડૂતો, માછીમારો અને નાના ઉદ્યોગોના હિતોનું પણ ધ્યાન રાખી રહ્યું છે.
ભારત અને અમેરિકા, માર્ચ મહિનાથી દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે, અને અત્યાર સુધીમાં છ રાઉન્ડની વાટાઘાટો પૂર્ણ થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ