
ઉદયપુર, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર હાલમાં, એક
ભવ્ય લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે ઉદયપુરમાં છે. તેમણે તેમના મિત્ર અને અમેરિકન
ઉદ્યોગપતિ રાજ મંટેના સાથે, ઉદયપુર સિટી પેલેસની મુલાકાત લીધી, જ્યાં તેમણે
મેવાડના ભૂતપૂર્વ રાજવી પરિવારના સભ્ય ડૉ. લક્ષ્યરાજ સિંહ મેવાડ સાથે સૌજન્ય
મુલાકાત કરી.
મેવાડની આતિથ્યની પરંપરાને ધ્યાનમાં રાખીને, ડૉ. મેવાડએ
ટ્રમ્પ જુનિયર અને રાજ મંટેનાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. મુલાકાત દરમિયાન, મેવાડના સમૃદ્ધ
ઇતિહાસ, સંસ્કૃતિ અને
પરાક્રમી પરંપરાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. વાતચીત દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પ
જુનિયર ખાસ કરીને મહારાણા કુંભા, મહારાણા સાંગા અને મહારાણા પ્રતાપ જેવા, ઐતિહાસિક
વ્યક્તિઓની બહાદુરી, ધાર્મિક ભક્તિ
અને દેશભક્તિથી પ્રભાવિત થયા.
આ ઉપરાંત, વૈશ્વિક પરિસ્થિતિઓ અને વર્તમાન આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પર
ચર્ચા કરવામાં આવી. ટ્રમ્પ જુનિયરે, મેવાડ રાજવી પરિવારના વારસા અને ઉદયપુરના
સાંસ્કૃતિક વારસાની પ્રશંસા કરતા કહ્યું કે,” આ અનુભવ ખૂબ જ યાદગાર રહેશે.”
ડૉ. લક્ષ્યરાજ સિંહ મેવાડે તેમને મેવાડના સ્મૃતિચિહ્નો
અર્પણ કર્યા. ટ્રમ્પ જુનિયરે આ ભેટોને ખૂબ જ ખાસ અને યાદગાર ગણાવી અને ડૉ. મેવાડના
આતિથ્ય માટે આભાર વ્યક્ત કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / સુનિતા / સંદીપ / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ