
મુંબઈ, નવી દિલ્હી,22 નવેમ્બર (હિ.સ.)
મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના અંદુર વિસ્તારમાં શનિવારે સવારે, સોલાપુર-હૈદરાબાદ
હાઇવે પર બે વાહનો વચ્ચે ટક્કરમાં પાંચ લોકોના મોત અને આઠ ઘાયલ થયા. મૃતકોમાં ત્રણ
મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ ઘાયલોને સોલાપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર
આપવામાં આવી રહી છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે, તેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ધારાશિવ
પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
આ કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ આજે જણાવ્યું
હતું કે,” સોલાપુર જિલ્લાના ઉલે ગામના રહેવાસીઓ એક દેવતાના દર્શન માટે ક્રુઝર
જીપમાં સોલાપુરના નલદુર્ગ જઈ રહ્યા હતા. ક્રુઝર શનિવારે સવારે સોલાપુર-હૈદરાબાદ
હાઇવે પર મુસાફરી કરી રહી હતી. જીપ ધારાશિવના અંદુર વિસ્તારમાં પહોંચતા જ અચાનક
ટાયર ફાટ્યું. ડ્રાઇવરે જીપ પરનો કાબુ ગુમાવ્યો, જે ટ્રેક્ટર સાથે ટકરાઈ ગઈ અને રસ્તા પર પલટી
ગઈ.”
ઘટનાની જાણ થતાં, સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા, ક્રુઝર જીપ સીધી
કરી અને ફસાયેલા લોકોને બચાવ્યા. હાલની માહિતી અનુસાર, આ ઘટનામાં ત્રણ
મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા છે. આઠ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને
સારવાર માટે, સોલાપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો અને
ઘાયલોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર યાદવ / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ