


કચ્છ/ગાંધીનગર, 23 નવેમ્બર (હિ.સ.) : આજરોજ કચ્છના ભુજ શહેરમાં લાલન કોલેજ ગ્રાઉન્ડથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં રૂ. 503 કરોડથી વધુના 55 જેટલા વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂ. 498 કરોડના ખર્ચે ૫૨ કામનું ખાતમૂહુર્ત અને રૂ. 5.79 કરોડના ખર્ચે નવનિર્મિત 3 કામોનું લોકાર્પણ થયું હતું.
કચ્છની ધરા પર પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કચ્છીમાડુઓના જીવનમાં આવેલા પરિવર્તન અંગે કહ્યું કે, કચ્છીમાડુઓના ખમીર અને પુરુષાર્થથી વિકાસના નવા ચમત્કારો જિલ્લામાં સર્જાયા છે. વડાપ્રધાનના વિઝનથી કચ્છ સૌથી વધુ ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે. વિનાશક ભૂંકપ બાદ વડાપ્રધાનના વિકાસના વિઝનથી તેમજ કચ્છના નાગરિકોના સહકારથી આજે જિલ્લામાં ઉદ્યોગ-ધંધા, રોજગાર અને પ્રવાસનનો તેજ ગતિએ વિકાસ થયો છે.
નર્મદાની પાઈપલાઈન અને કેનાલોના નેટવર્કથી કચ્છના વિકાસની કાયાકલ્પ થઈ છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કચ્છના રણોત્સવ, સ્મૃતિવન, શ્યામજીકૃષ્ણવર્મા મેમોરિયલએ કચ્છી સંસ્કૃતિના વિકાસ મંદિરો બન્યા છે. કચ્છ જિલ્લો આયોજનપૂર્વકના વિકાસ સાથે આગળ વધી રહ્યો છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે બમણી સુવિધાઓ કચ્છને ઉપલબ્ધ કરાવી છે. ગાંધીધામ મહાનગરપાલિકાના દરજ્જાથી વિકાસની ગતિને વધુ વેગ મળશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તના કામોથી કચ્છમાં માળખાકીય સુવિધાઓ વધશે એમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભૂજ, અંજાર, અબડાસા, માંડવી અને રાપરના વિસ્તારોને રૂ. 503 કરોડથી વધુ રકમના કાર્યોથી વિકાસની નવી દિશા મળશે. મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના શહેરોને જોડતા આંતરિક રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણથી પ્રવાસનને વેગ, નાગરિકોની પરિવહન સુગમ બનશે એમ જણાવ્યું હતું. નાગરિકોને જળ સંચય સહિતના કાર્યોમાં સહભાગી થવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
તેઓએ જણાવ્યું કે, વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યૂઅલ એનર્જી પાર્ક વડાપ્રધાનના દિશાદર્શનમાં કચ્છમાં આકાર પામી રહ્યો છે તે ગુજરાતને રિન્યૂએબલ એનર્જીનું હબ બનાવશે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિથી ધોરડો રણોત્સવના કારણે ‘ઈન્ટરનેશનલ ટૂરિઝમ ડેસ્ટિનેશન’ બન્યું છે. ધોરડોના સફેદ રણને દુનિયાના ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે સ્થાન મળ્યું છે. કચ્છમાં ઉદ્યોગો અને પ્રવાસન વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો ઊભી થઈ છે.
રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે એમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના
દરેક વિસ્તારના વિકાસના સ્થાનિક પોટેન્શિયલને ધ્યાને રાખીને ઉદ્યોગોને પ્રોત્સાહન માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસનો પ્રારંભ કરાયો છે. ગુજરાતમાં ચાર રિજનલ કોન્ફરન્સિસનું આયોજન કરાયું છે. આગામી જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે અને તેના કારણે કચ્છને ઔદ્યોગિક રોકાણને નવું બળ મળશે.
વિશ્વસ્તરીય શહેરો ઊભાં કરવા માટે વર્ષ ૨૦૪૭ સુધીના આયોજન અંગે જાણકારી આપતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, શહેરોની નજીકના વિસ્તારોના વિકાસ માટે ગ્રોથ હબ મોડેલને લાગુ કરવામાં આવ્યું છે. કચ્છને ગ્રોથ હબ તરીકે વિકસાવવા રિજિયોનલ ઇકોનોમિક પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લાના નાગરિકોની ખુમારી બિરદાવીને મુખ્યમંત્રીએ વહીવટીતંત્ર-નાગરિકોના સંકલનની પ્રસંશા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છીજનોના ખમીર અને દેશ માટે સર્વસ્વ અર્પણ કરવાની રાષ્ટ્ર પ્રથમની ભાવનાને અભિનંદનને પાત્ર ગણાવી હતી.
કચ્છ પધારેલા મુખ્યમંત્રીનું કચ્છી સંસ્કૃતિ મુજબ કચ્છી પાઘડી અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સંગઠનો, જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં આજરોજ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થવાથી આંતરિક રસ્તાઓનું નવીનીકરણ થશે. ભુજ શહેરના મહત્વના તમામ રસ્તાઓને ખાતમૂહુર્ત પ્રસંગે આવરી લેવાયા હોય શહેરના નાગરિકોને ઉત્તમ પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા રૂ. 393.39 કરોડના 23 કામોનું ખાતમૂહુર્ત, વન વિભાગના રૂ. 2.60 કરોડના છારી ઢંઢ અને પડાલા મેન્ગ્રુવ લર્નિંગ સેન્ટરના વિકાસકામનું લોકાર્પણ, સિંચાઈ વિભાગ દ્વારા રૂ. 6 કરોડથી વધુના ખર્ચે કચ્છના વિવિધ ગામના તળાવ સુધારણાના કામોનું ખાતમૂહુર્ત, શિક્ષણ વિભાગ દ્વારા કચ્છના ગુનેરી ખાતે રૂ. 3.19 કરોડના ખર્ચે નવીન માધ્યમિક શાળાનું લોકાર્પણ, જીએસઆરડીસી દ્વારા રૂ. 42.50 કરોડના ખર્ચે ભુજ-મુન્દ્રા રોડ અને રૂ. 17.92 કરોડના ખર્ચે ભુજ-નખત્રાણા રોડના મજબૂતીકરણ અને રિસર્ફેસિંગના કામનું ખાતમૂહુર્ત અને માર્ગ અને મકાન પંચાયત વિભાગના રૂ. 26.52 કરોડના ખર્ચે વિવિધ રોડના રિસર્ફેસિંગ કામોની ભેટ કચ્છવાસીઓને આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, કચ્છ કલેક્ટર આનંદ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ