
ગાંધીનગર, 23 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની ખેડૂત પરિવારની દીકરી રીંકલબેન પાંચાભાઇ યાદવ, જેઓને ગૃહ વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે મુખ્યમંત્રીના હસ્તે, નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યું છે, તેઓ આ તકે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, તેઓ પોતાના ઘર પરિવારમાં પ્રથમ એવી વ્યક્તિ છે, જેમણે સરકારી નોકરી મેળવી છે.
વધુમાં તેઓ જણાવે છે કે, ખૂબ મહેનત અને લગનથી ગુજરાત સરકારની કર્મચારી બનવાનો મોકો મળ્યો છે, ત્યારે હું મારી કામગીરી પૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ.મને ગર્વ છે કે, સરકારમાં જોડાવાની આ અદભુત ક્ષણને યાદગાર બનાવતા, મુખ્યમંત્રીના હસ્તે અમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે.જે અમારા સૌ માટે જીવનભરનું સંભારણું બની રહેશે.
આ સાથે જ આ ભરતી પ્રક્રિયા અંગે તેઓ ઉમેરે છે કે, ભરતી પ્રક્રિયા માટે ઘણી બધી નકારાત્મક વાતો અને અફવાઓ સાંભળવા મળી હતી કે, ઓળખાણ અથવા પૈસા વગર સરકારી નોકરી મળવી અશક્ય છે, પરંતુ આ બધી વાતોની મગજ પર અસર ન થવા દેતા, મેં મારી મહેનત ચાલુ જ રાખી. પરિણામે સરકાર દ્વારા સંપૂર્ણ પારદર્શક અને નિષ્ઠાપૂર્વક કામગીરી દ્વારા આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે, તેનું હું પોતે જ આજે ઉદાહરણ બની ચૂકી છું. જેણે આ તમામ નેગેટીવ વાતોનો છેદ ઉડાડી દીધો છે. એટલે જ હું વિશ્વાસથી કહું છું કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત સરકારના એક અભિન્ન અંગ તરીકે હું ખૂબ જ નિષ્ઠા અને ખંતપૂર્વક કાર્ય કરી, પોતાની જવાબદારી નિભાવીશ અને એક આદર્શ કર્મચારી તરીકે છાપ ઊભી કરીશ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ