
અમરેલી,, 23 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં દેશના લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આજે ભવ્ય “સરદાર @150: યુનિટી માર્ચ - પદયાત્રા” યોજાઈ હતી. સરદાર સર્કલથી શેડુભાર સુધી યોજાયેલ આ પદયાત્રાને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને લીલી ઝંડી બતાવી શરૂઆત કરાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય એકતા, સમરસતા અને દેશપ્રેમને જન-જન સુધી પહોંચાડવા દેશભરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. આ જ અભિયાન અંતર્ગત અમરેલી-કુંકાવાવ-વડિયા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી યુનિટી માર્ચમાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સમાજ આગેવાનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
માર્ચના રૂટ પર ગામજનોએ ઢોલ-નગારા સાથે પદયાત્રાનું સ્વાગત કર્યું, સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો અને નૃત્યથી સમગ્ર માર્ગ જીવંત બની રહ્યો હતો. મોટા માચીયાળા મુકામે રાજ્યમંત્રી વેકરીયાએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશ આઝાદ થયા બાદ 562 રજવાડાઓને એકત્રિત કરીને અખંડ ભારતની રચના કરી હતી. ખાસ કરીને જૂનાગઢ મુદ્દે નવાબને ઝુકાવીને જૂનાગઢને ભારતસંઘમાં જોડાવી આપ્યું હતું, જે સરદાર સાહેબની રાજકીય દુરંદેશીનું ઉત્તમ ઉદાહરણ છે.
શેડુભાર ખાતે યુનિટી માર્ચનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અહીં રાજ્યમંત્રી વેકરીયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિત મહાનુભાવોએ કૈલાસ મુક્તિધામ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.
આ પદયાત્રામાં જિલ્લા-તાલુકા પંચાયતના પદાધિકારીઓ, વિવિધ સમાજના આગેવાનો, રમતું-ગમત ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને નાગરિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી. સમગ્ર કાર્યક્રમ સરદાર સાહેબના ‘એકતા’ના સંદેશને ફરી જીવંત કરતો રહ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai