

મહેસાણા, 23 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા શહેરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સ્પેશ્યિલ ડ્રાઈવ (SIR) દરમિયાન આજે ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને વધુ અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા માટે આ ઝુંબેશ હાથ ધરાઈ છે. આ અભિયાનને વેગ આપવા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે મહેસાણા શહેરના બૂથ નં. 43 પર પ્રત્યક્ષ હાજરી આપી હતી.
સાંસદ મયંક નાયકની હાજરીથી પ્રેરણા મેળવી અનેક નાગરિકો અને ખાસ કરીને યુવા મતદારો બૂથ પર પહોંચ્યા હતા. તેમણે ફરજ બજાવતા BLO સાથે વિગતવાર ચર્ચા કરી કામગીરીની સમીક્ષા કરી. ઉપરાંત, ફોર્મ-6, ફોર્મ-7 અને ફોર્મ-8 જેવી જરૂરી પ્રક્રિયાઓમાં નાગરિકોને માર્ગદર્શન આપીને મદદ પણ કરી હતી.
લોકશાહીનો મહત્ત્વનો સ્તંભ ગણાતી મતદાર યાદીને યોગ્ય અને સુધારેલી બનાવવા સાંસદે પોતે આગળ આવી નાગરિકો સાથે જોડાઈને અભિયાનને પ્રોત્સાહિત કર્યું હતું. તેમના આ સક્રિય સહકારથી સ્પેશ્યિલ ડ્રાઈવને મહત્વપૂર્ણ વેગ મળ્યો હતો અને લોકોમાં મતદાર નોંધણી અંગે વધુ જાગૃતિ ફેલાઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR