
પાટણ, 23 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લામાં પુરુષ નસબંધી પખવાડિયા દરમિયાન ચાલુ વર્ષનું પ્રથમ NSV ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા હેલ્થ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 21 નવેમ્બરથી 4 ડિસેમ્બર, 2025 સુધી કુટુંબ નિયોજનમાં પુરુષોની ભાગીદારી વધારવા માટે આ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. નોંધનીય છે કે વર્ષ દરમિયાન આ પ્રથમ પુરુષ નસબંધીનો કેસ નોંધાયો છે.
રણુંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ખીમીયાણા સબસેન્ટરના આરોગ્ય કર્મચારી દિલીપભાઈ ચૌધરીએ એક લાયક દંપતીને NSV ઓપરેશન માટે પ્રેરિત કર્યા હતા. દંપતીએ ધારપુર મેડિકલ કોલેજ ખાતે સફળતાપૂર્વક ઓપરેશન કરાવ્યું છે. 22 થી 60 વર્ષની ઉંમર, પત્નીની સંમતિ અને એક કે તેથી વધુ સંતાન હોવું પુરુષ નસબંધી માટે ફરજિયાત છે. આ ઓપરેશન કરાવનાર લાભાર્થીને સરકારે 2000 રૂપિયાની પ્રોત્સાહક સહાય નિર્ધારિત કરી છે.
NSV ઓપરેશન સરળ અને ટાંકાવિહોણું હોય છે, દર્દીને તરત જ રજા અપાય છે તેમજ સાત દિવસ સુધી સાયકલ ન ચલાવવાની સલાહ અપાય છે. આ ઓપરેશનથી પુરુષત્વ અથવા જાતીય ક્ષમતામાં કોઈ અસર થતી નથી અને જરૂરી હોય તો તેને ફરી ખોલાવી શકાય છે. વધુ જાગૃતિ ફેલાવવા આરોગ્ય તંત્ર પ્રયત્નરત છે અને લોકોને નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ