
જીનીવા, નવી દિલ્હી,24 નવેમ્બર (હિ.સ.) અમેરિકી વિદેશ
મંત્રી માર્કો રુબિયોએ રવિવારે, સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવામાં અમેરિકા અને
યુક્રેનિયન અધિકારીઓ વચ્ચે યુક્રેનમાં યુદ્ધ રોકવાના ઉદ્દેશ્યથી થયેલી વાટાઘાટોને
અર્થપૂર્ણ અને મહત્વપૂર્ણ ગણાવી. વાટાઘાટોના પ્રથમ રાઉન્ડ પછી, રુબિયોએ કહ્યું
કે,” તે અત્યાર સુધીનો શ્રેષ્ઠ પ્રયાસ હતો.”
સીએનએનના અહેવાલ મુજબ,”રુબિયોએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 28-પોઇન્ટ શાંતિ
પ્રસ્તાવમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જે યુક્રેન અને રશિયા બંનેને સ્વીકાર્ય હોવા જોઈએ.” વ્હાઇટ
હાઉસે રવિવારે કહ્યું કે,” યુક્રેન માને છે કે શાંતિ પ્રસ્તાવમાં કરવામાં આવેલા
ફેરફારો તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરે છે.”
યુક્રેનના વ્લાદિમીર ઝેલેન્સકીએ પણ આશા વ્યક્ત કરી કે,”
વાટાઘાટો સકારાત્મક પરિણામ તરફ આગળ વધી છે.” ટેલિગ્રામ પર પોસ્ટ કરાયેલા એક વિડીયો
સંબોધનમાં, ઝેલેન્સકીએ
કહ્યું, ઘણું બદલાઈ
રહ્યું છે. અમે યુદ્ધને સમાપ્ત કરવા માટે જરૂરી પગલાં પર ખંતપૂર્વક કામ કરી રહ્યા
છીએ. ઝેલેન્સકીના ચીફ ઓફ સ્ટાફ, એન્ડ્રી યરમકે, જીનીવા વાટાઘાટોને સફળ ગણાવી અને ટ્રમ્પનો તેમના પ્રયાસો
માટે આભાર માન્યો.
વ્હાઇટ હાઉસ અને ઝેલેન્સકીના સંયુક્ત નિવેદનમાં પણ જીનીવા
વાટાઘાટોને ખૂબ જ ફાયદાકારક ગણાવી હતી. નિવેદનમાં અમેરિકા અને ટ્રમ્પનો તેમના સતત
પ્રયાસો બદલ, આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. દરમિયાન, ટ્રમ્પે કિવને
પ્રસ્તાવ સ્વીકારવા માટે ગુરુવાર સુધીનો સમય આપ્યો છે. રુબિયોએ ટ્રમ્પના ખાસ દૂત
સ્ટીવ વિટકોફ, આર્મી સેક્રેટરી
ડેન ડ્રિસ્કોલ અને અન્ય ઘણા અધિકારીઓ સાથે જીનીવામાં યુક્રેનિયન પ્રતિનિધિમંડળ
સાથે મુલાકાત કરી હતી.
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે કહ્યું કે,” તેમને શંકા છે
કે, ટ્રમ્પની સમયમર્યાદા સુધીમાં કોઈ સોદો થશે.” દરમિયાન, એક યુએસ અધિકારીએ
કહ્યું કે,” પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે રશિયન પ્રતિનિધિમંડળ સાથે ટૂંક સમયમાં એક
અલગ બેઠક યોજાશે.” રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે,” આ પ્રસ્તાવ
શાંતિ કરારનો આધાર બની શકે છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ