
વલસાડ, 24 નવેમ્બર (હિ.સ.) રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા રવિવારે પારડી તાલુકામાં ને.હા.નં. 48 પર જુની મામલતદાર કચેરીની બાજુમાં આવેલા ધીરૂભાઈ નાયક હોલમાં આયુષ મેળો અને મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ લોકો વધુમાં વધુ આયુર્વેદ તરફ વળે તે માટે આહવાન કરતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારથી તેમણે લોકોની સુખાકારી માટે પ્રયત્ન કર્યા હતા. લોકોના ઘર આંગણે આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ કરાવી હતી. બીમારી સમયે નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે આયુષ્યમાન કાર્ડ યોજના અમલી બનાવી છે. લોકો સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે તે માટે નરેન્દ્રભાઈ એ વિશ્વ યોગ દિવસ ઉજવવાની દરખાસ્ત યુનાઇટેડ નેશન્શમાં કરતા દર વર્ષે તા. 21 જૂને દુનિયાભરમાં યોગ દિવસ મનાવાય છે. નિયમિત યોગ કરવાથી બીમારીથી દૂર રહી સ્વસ્થ જીવન જીવી શકાય છે. આયુર્વેદ અને હોમિયોપથી ચિકિત્સાનો વ્યાપ વધે તે માટે નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમવાર આયુષ મંત્રાલય બનાવ્યું છે. આયુર્વેદમાં સારવાર લાંબી છે પરંતુ બીમારીને જડમૂળથી નાબૂદ કરવાની શક્તિ છે. આપણા ઋષિ મુનિઓ પણ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અપનાવતા હતા. આયુર્વેદમાં કેમિકલની ભેળસેળ હોતી નથી. સ્વાસ્થ્ય માટે હિતકારી છે. આજે અહીં આયુષ મેળામાં ભાગ લેનાર તમામ લોકો અને આ મેળાનું આયોજન કરનાર જિલ્લા આયુર્વેદ શાખાની ટીમ અભિનંદનને પાત્ર છે.
આયુષ મેળામાં લોકોએ ચામડીના રોગ, સ્ત્રી રોગ, બાળકોના રોગ, વૃદ્ધાવસ્થામાં થતા રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, થાઈરોઈડ, હરસ, મસા સહિતની વિવિધ બીમારીઓની સારવાર મેળવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે