
સુરત, 6 નવેમ્બર (હિ.સ.): ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન વિસ્તારમાં દહેશત ફેલાવનાર અને હત્યા સહિત 15થી વધુ ગુનાઓમાં વોન્ટેડ સલમાન લસ્સીને ક્રાઈમ બ્રાંચે નવસારીના ડાભેલ ગામથી પકડી પાડ્યો. ગુપ્ત માહિતીના આધારે સવારના 3 વાગ્યે ક્રાઈમ બ્રાન્ચની પાંચ ટીમોએ ‘ઓપરેશન લસ્સી’ ચલાવી મકાનને ચારેબાજુથી કોર્ડન કર્યું.
અંદર છુપાયેલો લસ્સી આત્મસમર્પણ કરવા તૈયાર નહોતો. ભાગવા માટે તેણે PI પર ચપ્પુથી હુમલો કર્યો, જેના સ્વબચાવમાં PIએ તેના જમણા પગમાં ગોળી ફાયર કરી. ગોળી હાડકાને અડકી આરપાર ગઈ, જેના કારણે ફ્રેક્ચર થયું. બાદમાં તેને હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી.
લસ્સી પર હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને ગંભીર ગુનાઓના કેસ છે. ભેસ્તાન ભીંડી બજારમાં થયેલી શકીલ હત્યા કાંડમાં પણ તે મુખ્ય આરોપી તરીકે વોન્ટેડ હતો. પોલીસની હાઈ-સ્પીડ કાર્યવાહીથી આ દહેશત ફેલાવનાર આરોપી આખરે કાયદાના ચંગુળમાં આવી ગયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે