
જામનગર, 6 નવેમ્બર (હિ.સ.) : જામનગરના કાલાવડ તાલુકામાં કમોસમી વરસાદથી થયેલા વ્યાપક પાક નુકસાનને પગલે, વિવિધ ગામોના સરપંચો અને ખેડૂતોએ મામલતદાર અને ટીડીઓ કાલાવડને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ રજૂઆતમાં તાત્કાલિક સહાય અને પાક ધિરાણ માફીની માંગ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે આ વર્ષે સતત કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઊભેલા મગફળી, કપાસ, સોયાબીન અને તલ સહિતના પાકો સંપૂર્ણપણે બગડી ગયા છે. જેના પરિણામે ખેડૂતોને ૧૦૦ ટકા સુધીનું આર્થિક નુકસાન થયું છે.
કાલાવડ તાલુકાના ડેરી, મેટીયા, ભંગળા, શિશાંગ, ગોલણીયા, મછલીવડ, ગુંદા, શનાળા, નાની ભગેડી, લલોઈ, ધાંધલ પીપળીયા, મોટા વડાલા, અરલા, ખળ ધોરાજી, ખીમાણી સણોસરા, રાજસ્થળી અને નિકાવા સહિતના ગામ પંચાયતોના પ્રતિનિધિઓએ સરકાર પાસે તાત્કાલિક ૧૦૦ ટકા સહાય જાહેર કરવા અને પાક ધિરાણ માફ કરવાની મુખ્ય માંગણીઓ કરી હતી.
સરપંચોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હાલ ખેડૂતો ગંભીર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આથી, રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક વળતર અને સહાયની જાહેરાત કરી ખેડૂતોને રાહત પહોંચાડવી અત્યંત આવશ્યક છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt