
પાટણ, 6 નવેમ્બર (હિ.સ.): પાટણની જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, ધારપુર ખાતે પહેલીવાર અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. 55 વર્ષીય દિપકભાઈ ભવાનભાઈ પરમારને 6 નવેમ્બરના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે તેમના પરિવારે માનવતા દર્શાવી લીવર અને કોર્નિયા દાન કરવાનો નિર્ણય લીધો હતો. દિપકભાઈના આ નિર્ભય નિર્ણયથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. અંગદાનની પ્રક્રિયા દરમિયાન હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો, જેના મારફતે લીવર ધારપુરથી અમદાવાદ સ્થિત IKD કિડની હોસ્પિટલ સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યું.
આ સમગ્ર પ્રક્રિયામાં ધારપુર હોસ્પિટલના મેડિસિન, એનેસ્થેસિયા, સર્જરી વિભાગો, નર્સિંગ સ્ટાફ, RMO, મેડિકલ સુપરિટેન્ડન્ટ અને ડીન સાહેબનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. આ ઘટના માત્ર હોસ્પિટલ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં અંગદાન પ્રત્યે પ્રેરણાદાયી પહેલ બની છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ