
સોમનાથ, 6 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી દ્વારા નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે 'સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ' કાર્યક્રમ યોજવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં 27 નવેમ્બર એટલે કે ચોથા ગુરુવારે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે યોજાશે.
જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને સંબંધિત ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહી અરજદારોના પ્રશ્નો સાંભળશે. જિલ્લાકક્ષાએ નિકાલ કરવાપાત્ર હોય તેવા પડતર પ્રશ્નો કલેક્ટર કચેરી, ગીર સોમનાથ જિલ્લો, વેરાવળ-તાલાલા રોડ, ઈણાજ વેરાવળ ખાતે સીધા પણ રજૂ કરી શકશે.
નાગરિકોએ જિલ્લા સ્વાગતમાં ઓનલાઇન અરજી અંગ્રેજી માસની 1 થી 10 તારીખ સુધીમાં કરવી. નાગરિકોએ પ્રશ્નો, રજૂઆતો, ફરિયાદો સાથે જરુરી વિગતો અને પુરાવાઓ સાથે રજૂ કરવા. તાલુકા કક્ષાએ જે અરજીઓનો નિકાલ ન થયો હોય તેવી અરજીઓનો જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સમાવેશ થશે. એક જ સમયે અનેક વિષયોને લગતી રજૂઆત કરવી નહિ.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ