
સોમનાથ,6 નવેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખેડૂતો દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલા ભારે નુકસાન બાદ રાજ્ય સરકાર સામે સહાય અને દેવા માફીની તાત્કાલિક માંગ સાથે મુખ્યમંત્રીને વિગતવાર રજૂઆત કરવામાં આવી છે.ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિશય અને કમોસમી વરસાદને કારણે મગફળી સહિતના પાકો બરબાદ થયા છે. ખેતરોમાં પાણી ભરાઇ જવાથી ઉત્પાદન સંપૂર્ણ રીતે નાશ પામ્યું છે, જેના કારણે ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં છે.
ખેડૂતોએ રજૂઆતમાં નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરી છે
સહાય બાબત
સરકાર દ્વારા કરવામાં આવતા રોજકામ (સર્વે) પૂર્ણ થયા બાદ સહાયની રકમ તથા ચૂકવણીનો સમયગાળો તાત્કાલિક જાહેર કરવો.
ટેકાના ભાવે નોંધાયેલા મગફળીના પાકની ખરીદી ગુણવત્તામાં છૂટછાટ આપીને કરવી અને રિજેકર ન કરવું.
રોજકામ પ્રક્રિયામાં ફક્ત ફોટો આધારિત સર્વેને બદલે વાવેતર અને નુકસાનની વાસ્તવિક ચકાસણી કરવી.
ઘાસચારો અને અન્ય સહાય
હાલ ૧૫ દિવસ માટે પ્રતિ પશુ 4 કિલો ઘાસચારો પૂરવઠો કરવામાં આવે છે, જે પૂરતો નથી; તેમાં વધારો કરીને સતત પૂરવઠાનું આયોજન જાહેર કરવું.
ભાઈઓ ભાગની જમીન ધરાવતા ખેડુતોને વાસ્તવિક વાવેતર કરનારના બેંક ખાતામાં સીધી સહાયની ચુકવણી કરવાની વ્યવસ્થા ઉભી કરવી.
અન્ય પાક અને ધિરાણ મુદ્દે
ફક્ત મગફળી નહીં પરંતુ અન્ય પાકોને થયેલા નુકસાનનો પણ સર્વે કરી વળતર જાહેર કરવું.
ચોમાસુ નિષ્ફળ જતા હાલના પાક ધિરાણ (Crop Loan) માફ કરવું તેમજ જેમણે ધિરાણ લીધું નથી તેમને નવી લોન આપી પછી માફ કરવી.
દેવા માફી માટે સમિતિની રચના
મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત સરકારે પણ નિવૃત્ત અધિકારીની અધ્યક્ષતામાં સમિતિ રચીને ખેડૂતોના દેવા માફી માટે નીતિ ઘડવી.
ખેડૂતોએ અંતે જણાવ્યું કે જો આ રજૂઆતના મુદ્દાઓ પર આગામી દસ દિવસમાં સંતોષકારક અને સ્પષ્ટ કાર્યવાહી નહીં થાય, તો સુત્રાપાડા તાલુકાના તમામ ખેડૂતોએ મળીને આગળની લડત અંગે નિર્ણય લેવાશે.
“આ નિર્ણયની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે,” એવો ચેતાવણીભર્યો ઉલ્લેખ પણ ખેડૂતોની રજૂઆતમાં કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ