સિંધી સમાજનો રોષ: અમિત બઘેલ વિરુદ્ધ પાટણ સિંધી પંચાયત દ્વારા FIRની માંગ
પાટણ, 6 નવેમ્બર (હિ.સ.) છત્તીસગઢ જોહાર પાર્ટીના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયેલા વીડિયોમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સમસ્ત સિંધી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરાતા દેશભરના સિંધી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ
સિંધી સમાજનો રોષ: અમિત બઘેલ વિરુદ્ધ પાટણ સિંધી પંચાયત દ્વારા FIRની માંગ


પાટણ, 6 નવેમ્બર (હિ.સ.) છત્તીસગઢ જોહાર પાર્ટીના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયેલા વીડિયોમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સમસ્ત સિંધી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરાતા દેશભરના સિંધી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે પાટણ જનરલ સિંધી પંચાયતે કલેક્ટરને આવેદનપત્ર આપીને બઘેલ વિરુદ્ધ તાત્કાલિક FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આવેદનપત્ર મુજબ, 26 ઓક્ટોબર 2025ના રોજ રાયપુરમાં બનાવેલા વીડિયોમાં અમિત બઘેલે ઝુલેલાલ ભગવાન વિશે અપમાનજનક શબ્દો વાપર્યા હતા તેમજ સમગ્ર સિંધી સમાજને ‘પાકિસ્તાની સિંધી’ કહીને નિંદનીય ટિપ્પણીઓ કરી હતી. આ નિવેદનથી કરોડો સિંધી સમાજના લોકોની અને ધર્મપ્રેમી નાગરિકોની ભાવનાઓને ગંભીર ઠેસ પહોંચી છે.

સિંધી પંચાયતે સ્પષ્ટ કર્યું છે કે સિંધી સમાજ દેશભક્ત, શાંતિપ્રિય અને ભારતીય સંવિધાનમાં માનનારા નાગરિકોનો સમૂહ છે. રાષ્ટ્રગાનમાં ‘સિંધ’નો ઉલ્લેખ છે અને સિંધી ભાષા ભારતના સંવિધાનની આઠમી સૂચિમાં સામેલ છે. અમર શહીદ હેમુ કાલાણી સહિત અનેક સિંધી વીરોએ સ્વતંત્રતા માટે બલિદાન આપ્યું હતું.

પંચાયતે જણાવ્યું કે, બઘેલના નિવેદનથી સામાજિક એકતા અને ભાઈચારાની ભાવનાને ઠેસ પહોંચી છે. તેથી, ધાર્મિક અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનાર બઘેલ વિરુદ્ધ તાત્કાલિક FIR નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande