
જામનગર, 6 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં અંબર ચોકડી પાસે નવા ફલાય ઓવર બ્રિજની નીચે મહાનગરપાલિકા દ્વારા નવી ફૂટપાથ અને પાર્કિંગ સહિતનું બાંધકામ કરી દેવાનું છે, પરંતુ તે સ્થળે કેટલાક ઝૂંપડાવાસીઓએ દબાણ કરી દઇ, ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય ખડકી દીધું હતું, સાથોસાથ કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાની માહિતીના આધારે તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને પોલીસ તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી.
ઉપરોક્ત સ્થળેથી 40થી વધુ ઝૂંપડાઓ ખાલી કરાવાયા હતા, અને તેઓનો માલ સામાન પણ એસ્ટેટ વિભાગે જપ્ત કરી લઈ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દીધો હતો. જોકે કેટલાક ઝૂંપડાવાસીઓએ ફરીથી ત્યાં અડીંગો જમાવવાનું શરૂ કરી દીધું હતું, અને બ્રિજની નીચે પડ્યા પાથર્યા રહેતા હોવાથી આજે ફરીથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી.
પોલીસ તંત્રને સાથે રાખીને ફરીથી 35થી વધુ ઝૂંપડાવાળાઓ, કે જે લોકો પોતાનો છૂટક માલ સામાન રાખીને બ્રિજની નીચે ગોઠવાઈ ગયા હતા, તેઓને ફરીથી ખાલી કરાવડાવી પાર્કિંગ સહિતની જગ્યા ખુલ્લી કરાવડાવી છે, અને પોલીસ તંત્ર દ્વારા ફરીથી અહીં દબાણ નહીં કરવા માટે કડક સુચના પણ આપવામાં આવી છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt