
સુરત, 6 નવેમ્બર (હિ.સ.) સુરતના સૈયદપુરા વિસ્તારમાં સ્ટ્રે ડોગ્સના આતંક વચ્ચે 38 વર્ષીય ઈબ્રાહિમ ઉર્ફે એજાઝ એહમદ અન્સારીનું મોત નીપજ્યું છે. 24 ઓક્ટોબરે સવારની નમાઝ બાદ ઘરે પરત ફરતા તેમની પાછળ 4-5 કૂતરાઓ દોડ્યા. પોતાની જાત બચાવવા ભાગતા સમયે પગ લથડતાં તેઓ પડી ગયા અને ડોકમાં ગંભીર ઇજા થઈ.
CCTV ફૂટેજમાં જણાય છે કે પડી જતા કૂતરાઓ ભાગી ગયા, પરંતુ થોડા સમય પછી ફરી નજીક આવ્યા. સ્થાનિક લોકોએ મુક્ત કરાવ્યા પછી પરિવારજનોએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. બ્રેઇન હેમરેજ થતાં 12 દિવસ ICU અને વેન્ટિલેટર પર રાખ્યા બાદ 6 નવેમ્બરના રોજ તેમનું અવસાન થયું.
પરિવારે જણાવ્યું કે વિસ્તારમાં 500 થી વધુ સ્ટ્રે ડોગ્સ હોવાના કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે. તાજેતરમાં અન્ય બાળકો પર પણ હુમલાની ઘટનાઓ થઈ છે. પરિવાર અને સ્થાનિકોએ SMC સામે કાર્યવાહી માટે માગણી કરી છે, જેથી આવું ફરી ન બને.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે