જનજાતિય ગૌરવ રથ યાત્રા: અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ 1,378 કિ.મી.ની યોજાશે
સુરત, 6 નવેમ્બર (હિ.સ.)-ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય
Surat


સુરત, 6 નવેમ્બર (હિ.સ.)-ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2025માં બિરસા મુંડાના જન્મદિવસ તા.15મી નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો આદજાતિ મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું.

સુરત સરકીટ હાઉસ ખાતે રમગમત રાજયમંત્રી જયરામભાઈ ગામીત, વલસાડના સાંસદ ધવલ પટેલ, ડાંગના ધારાસભ્ય વિજયભાઈ, આદિવાસી મોરચાના પ્રમુખ અર્જુનભાઈની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા આદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામોધોગ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી તા.1લી નવેમ્બરથી કરવામાં આવી રહી છે. વડાપ્રધાને આદિવાસી સમાજને ભેટરૂપે ભગવાન મુંડા ટ્રાયબલ યુનિ.ની ભેટ આપી છે. ભારતના નિર્માણમાં અનેક મહાપુરૂષોનું યોગદાન રહ્યું છે તેમના યોગદાનને નવી પેઢી જાણે તેવા આશયથી વડાપ્રધાને અનેક યોજનાઓ, સ્મારકોનું નિર્માણ તેમજ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તા.7 થી 13 નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ 1378 કિ.મી.ની ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રાની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા તા.૭મીએ અંબાજી ખાતેથી આદિજાતિ ગૌરવ રથ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. જયારે વલસાડના ઉમરગામ ખાતેથી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મંત્રીઓ, સાંસદોની ઉપસ્થિતિમાં બીજા રથ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. બન્ને યાત્રાઓનું સમાપન તા.15મીએ ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સમાપન થશે.

મંત્રીએ વધુમાં કહ્યું કે, ભગવાન બિરસા મુંડાએ રાષ્ટ્ર નિર્માણ માટે આપેલા યોગદાનથી નવી પેઢીમાં ઉજાગર થાય તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે કુલ 14 જિલ્લાઓના 88 જેટલા ગામોમાં ભ્રમણ કરશે.

તેમણે વધુમાં કહ્યું કે, રથયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદો અને ધારાસભ્યો સહભાગી થશે. આ રથયાત્રાના રૂટ ઉપર તેમજ ખાસ કરીને રાત્રિ રોકાણ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ તેમજ આદિજાતિ વિકાસ યોજનાઓની માહિતીઓ નાટક, સભાઓ, સંવાદ, વકતૃત્વ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, આદિવાસી પરંપરાગત નૃત્યો દ્વારા રથયાત્રાનું સ્વાગત, સેવા સેતુ, આરોગ્ય કેમ્પો જેવા વિવિધ માધ્યમો દ્વારા નાગરિકો સમક્ષ રજુ કરવામાં આવશે.

જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિઓની રચના કરવામાં આવી છે. તા.15 મીએ સુરત જિલ્લામાં જનજાતિય ગૌરવદિવસની ઉજવણી થશે. જેમાં પદાધિકારીઓ-અધિકારીઓના હસ્તે વિવિધ લાભોનું વિતરણ, રમતવીરોનું સન્માન થશે.

દક્ષિણ ગુજરાતમાં 'જનજાતીય ગૌરવ રથયાત્રા'ની વિગતો

તા.૭મી નવેમ્બરના રોજ પ્રથમ દિવસે જનજાતીય ગૌરવ રથ યાત્રા વલસાડ જિલ્લાના ઉમરગામથી પ્રસ્થાન કરી સંજાણ, ભીલાડ, વાપી, પારડી, નાનાપોંઢા અને ધરમપૂર આવીને રાત્રિ રોકાણ કરશે.

બીજા દિવસે તા.08મી નવેમ્બરના રોજ રથયાત્રા વલસાડના ધરમપુરથી પ્રસ્થાન કરી નવસારીના ખેરગામ, રૂમલા, રાનકુવા, સુરતના અનાવલ, ઉનાઇના ભીનાર અને નવસારીના વાંસદા આવીને રાત્રિ રોકાણ કરશે.

ત્રીજા દિવસે 9મીના રોજ નવસારીના વાંસદાથી પ્રસ્થાન કરી ડાંગના વઘઇ, ઝાવડા, તાપીના ડોલવણ, જેસીંગપુરા અને વ્યારા આવીને રાત્રિ રોકાણ કરશે.

ચોથા દિવસે તા.10મીના રોજ તાપીના વ્યારાથી પ્રસ્થાન કરી સોનગઢ, ભંડભુજા, ઉચ્છલ, નારણપુર, રૂમકીતળાવ, વેલદા ટાંકી અને નિઝર આવીને રાત્રિ રોકાણ કરશે.

પાંચમા દિવસે તા.11મીના રોજ રથયાત્રા તાપીના કુંકરમુંડાથી પ્રસ્થાન કરી નર્મદાના જાવલી, સાગબારા, ચીકદા, સુરતના ઉમરપાડા, માલધાફાટા, સઠવાવ અને માંડવી આવીને રાત્રિ રોકાણ કરશે.

છઠ્ઠા દિવસે તા.12મીના રોજ સુરતના માંડવીથી પ્રસ્થાન કરી અરેઠ, તડકેશ્વર, નાની નરોલી, માગરોળની મોસાલી, વાંકલ, ઝંખવાવ, વાડી, વાલીયાની ડેઇલી, વાલીયા, તલોદદ્રા અને ઝઘડીયા આવીને રાત્રિ રોકાણ કરશે.

સાતમાં દિવસે તા.13મીના રોજ નવેમ્બરના રોજ ભરૂચના નેત્રંગથી પ્રસ્થાન કરી નર્મદાના મોવી, રાજપીપળા અને તા.15મીએ વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર-કેવડીયા ખાતે યાત્રાની પૂર્ણાહૂતિ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande