
જૂનાગઢ, 7 નવેમ્બર (હિ.સ.) : નવમી નવેમ્બર એ જૂનાગઢ માટે ખાસ છે, જુનાગઢનો મુક્તિ દિવસ અને સાથે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીના અવસરે વિધાનસભા વાઇઝ ગુજરાતમાં એકતા પદયાત્રાના કાર્યક્રમ સંદર્ભે જૂનાગઢથી પદયાત્રાનો પ્રારંભ. નવમી નવેમ્બરની પદયાત્રામાં જોડાવા જુનાગઢવાસીઓ ઉત્સુક છે. આજે આપણને વિશ્વની સૌથી મોટી લોકશાહીનું ગૌરવ છે. તેના મૂળમાં સરદાર વલ્લભભાઈ પટેલની દ્રઢ મજબૂત ઈચ્છા શક્તિ, સંકલ્પ અને રાષ્ટ્રની એકતા માટે જીવન સમર્પિત કરનારા આ ગુજરાતના આ સપૂતનું અમૂલ્ય યોગદાન છે. સ્વતંત્રતા પછીના ભારતના એકીકરણમાં લોખંડી પુરુષ, ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલનો વારસો આજે પણ પ્રેરણાદાયી અને માર્ગદર્શક છે. તેમની દૂરંદેશી અને અથાક પ્રયાસોને કારણે જ ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે ઊભરી શક્યું છે.
૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા પછી, બ્રિટિશ સત્તાના અંતને કારણે એક વિખરાયેલા રાષ્ટ્રનો પડકાર ઊભો થયો હતો. સરદાર પટેલે પોતાની દ્રઢતા, સમજાવટ અને કૂટનીતિના બળે માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં ૫૬૨ રજવાડાઓને ભારતીય સંઘમાં ભેળવીને રાષ્ટ્રને એક અને અખંડ બનાવ્યું હતુંસરદારે રાષ્ટ્રની એકતા માટે સંસ્થાઓના નિર્માણ પર ભાર મૂક્યો હતો. (દા.ત., IAS, IPS). તેમનું માનવું હતું કે સંસ્થાઓ સક્ષમ હોવી જોઈએ. આજે પણ આ સ્ટીલ ફ્રેમ (વહીવટી માળખું) ભારતને સ્થિરતા અને નિરંતરતા પ્રદાન કરી રહી છે. એટલું જ નહીં તેઓ માનતા કે આ વહીવટી રાષ્ટ્રીય સેવા ભારતની એકતાનું સંવર્ધન કરશે. જે આજે સાર્થક થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને સાકાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રની એકતા એ રાષ્ટ્રની શક્તિ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ૨૦૪૭ માં વિકસિત ભારતની નેમના પાયામાં પણ રાષ્ટ્રની એકતા મજબૂતાઈ અને સર્વનો સાથ સર્વનો વિકાસ અને સૌનો પ્રયાસ પ્રતિબિંબિત થાય છે.
સરદાર પટેલના વારસાને આજે પણ નીચે મુજબ સન્માનિત કરવામાં આવે છે. જેમાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (એકતાની પ્રતિમા), 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણી, 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' પહેલ આ તમામ પ્રયાસો રાષ્ટ્રની વિવિધતામાં એકતા અને સામૂહિક શક્તિના વિચારને વધુ મજબૂત બનાવે છે. નવમી નવેમ્બર જુનાગઢનો આઝાદ દિવસ- મુક્તિ દિવસ તો બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે ગુજરાતની વિધાનસભામાં વાઈઝ યુનિટી માર્ચ પદયાત્રાના રાજ્ય વ્યાપી કાર્યક્રમનો પ્રારંભ ૮૫ જુનાગઢ વિધાનસભાથી થાય છે. જૂનાગઢ અને સરદાર વલ્લભભાઈ સાથેનું જોડાણ ઐતિહાસિક અને સંસ્મરણીય છે.
જૂનાગઢને આઝાદી ૮૫ દિવસ મોડી મળી હતી. એટલે કે જૂનાગઢ લગભગ ત્રણ મહિના પછી ભારતમાં જોડાયું હતુ. નવમી નવેમ્બર ૧૯૪૭ના રોજ જૂનાગઢ ભારતમાં જોડાયું. ત્યાર પછી ૧૨મી નવેમ્બર ૧૯૪૭ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢની મુલાકાત લીધી હતી અને આ ઐતિહાસિક બહાઉદીન કોલેજના મેદાનમાં લોકમત લઈને હૈદરાબાદ કાશ્મીર અને જૂનાગઢ એ ભારતનું અવિભાજ્ય અંગ છે તે બાબતે ઐતિહાસિક પ્રવચન પણ આપ્યું હતું. આઝાદીની ચળવળ વખતે જૂનાગઢનાં નવાબે આ પ્રદેશને પાકીસ્તાનમાં જોડવાની જાહેરાત કરી હતી. ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલ અને મહાત્મા ગાંધીજીએ જૂનાગઢની ચિંતા કરી શામળદાસ ગાંધી, રતુભાઇ અદાણી, પુષ્પાબહેન મહેતા, દુર્લભજીભાઈ ખેતાણી, સુરગભાઈ વરુ, રસિકલાલ, દુર્લભજીભાઈ નાગ્રેચા જેવા આ ભુમિના કર્મવીરોને જવાબદારી સોંપી અને તેઓએ પણ પ્રજાને જાગૃત કરવાનું એક અભિયાન ઉપાડ્યું અને ત્રણ મહિનાની આરજી હકુમતની લડાઇ બાદ આપણું આ જૂનાગઢ ભારતમાં જોડાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ