
વોશિંગ્ટન, નવી દિલ્હી, 11 ડિસેમ્બર (હિ.સ.): અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ નામનો નવો વિઝા કાર્યક્રમ શરૂ કર્યો છે. બુધવારે આ જાહેરાત કરતા તેમણે કહ્યું કે, લોકો આ ગોલ્ડ કાર્ડ નાગરિકતા માટે અરજી કરી શકશે. ટ્રમ્પનો દાવો છે કે, નવા વિઝા કાર્યક્રમથી અમેરિકી તિજોરીમાં અબજો ડોલરનો વધારો થશે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં બિઝનેસ લીડર્સની હાજરીમાં આ ખૂબ જ અપેક્ષિત યોજનાની જાહેરાત કરી. તેમણે ટ્રુથ સોશિયલ પર લખ્યું, અમેરિકન સરકારનું ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ આજે આવી ગયું છે. બધા પાત્ર અને ચકાસાયેલ વ્યક્તિઓ માટે નાગરિકતાનો સીધો માર્ગ. અમેરિકન કંપનીઓ તેમની પ્રતિભા જાળવી શકશે. લાઇવ સાઇટ 30 મિનિટમાં ખુલશે.
આ કાર્ડ લોન્ચ કરતા અમેરિકી રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે, તે ગ્રીન કાર્ડ જેવું જ છે, પરંતુ તેનાથી ઘણા વધુ ફાયદા થશે. અમેરિકી સરકારના તિજોરીમાં અબજો ડોલરનો પ્રવાહ આવશે. તેમણે કહ્યું કે, તે પ્રતિભાશાળી લોકોને આપણા દેશમાં આકર્ષવાની તક પૂરી પાડશે.
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકે છે. વ્યક્તિગત અરજદારોએ ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ મેળવવા માટે 10 લાખ ડોલર (1 મિલિયન ડોલર) ચૂકવવા પડશે, જે ભારતીય ચલણમાં આશરે ₹9 કરોડ ની સમકક્ષ છે. કોર્પોરેટ-પ્રાયોજિત અરજદારો માટે, રકમ 20 લાખ ડોલર (આશરે ₹18 કરોડ) છે. 15,000 ડોલર ની બિન-રિફંડપાત્ર પ્રોસેસિંગ ફી પણ જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ