
નવી દિલ્હી, 2 ડિસેમ્બર (હિ.સ.). કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, સંચાર સાથી એપને કેન્દ્ર સરકાર દ્વારા લોકોના અવાજને દબાવવાનો બીજો પ્રયાસ ગણાવ્યો છે.
ખડગેએ મંગળવારે એક એક્સ-પોસ્ટમાં કહ્યું હતું કે, નાગરિકોના મોબાઇલ ફોન પર આ એપને પ્રીલોડ કરવાનો નિર્ણય કોઈપણ કરાર કે પરામર્શ વિના લેવામાં આવ્યો હતો, જે સરમુખત્યારશાહી છે. સરકાર શા માટે જાણવા માંગે છે કે, લોકો તેમના પરિવાર અને મિત્રો સાથે શું વાત કરી રહ્યા છે? તેમણે કહ્યું કે આ પહેલી વાર નથી જ્યારે આપણી ડિજિટલ ગોપનીયતા પર હુમલો થઈ રહ્યો છે. આવકવેરા કાયદાઓએ ડિજિટલ જીવનને સતત દેખરેખમાં ફેરવી દીધું છે, આરટીઆઈ નબળું પડી ગયું છે, અને પેગાસસ કેસમાં સાબિત થયું છે કે, 100 થી વધુ ભારતીયોના ફોન હેક કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, ટેલિકોમ્યુનિકેશન વિભાગે મોબાઇલ ફોન કંપનીઓને નિર્દેશ આપ્યો હતો કે, તેઓ સંચાર સાથી એપ પહેલાથી ઇન્સ્ટોલ કરેલા તેમના ફોન વેચે, નહીં તો દંડનો સામનો કરે. કંપનીઓને 90 દિવસની અંદર આદેશ લાગુ કરવા અને 120 દિવસની અંદર પાલન અહેવાલ સબમિટ કરવા કહેવામાં આવ્યું હતું. આ આદેશથી ગોપનીયતા અને ગ્રાહક અધિકારો પર વિરોધ થયો. વિવાદ વધતાં, સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરી કે, સંચાર સાથી એક વૈકલ્પિક એપ્લિકેશન હશે, જેને વપરાશકર્તાઓ પોતાની મરજીથી કાઢી શકશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ