બાંગ્લાદેશ અરાજકતા તરફ આગળ ... હાદીના મૃત્યુ પછી થયેલી હિંસા પર યુનુસ સરકારના પ્રતિભાવ પર, શેખ હસીનાએ ટિપ્પણી કરી
ઢાકા, નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિ.સ.). બાંગ્લાદેશમાં ઇન્કિલાબ મંચના નેતા શરીફ ઉસ્માન હાદીને, શનિવારે ઢાકા યુનિવર્સિટીમાં દેશના રાષ્ટ્રીય કવિ કાઝી નજરુલ ઇસ્લામની કબર પાસે દફનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના, હાદીના મૃત્ય
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના


ઢાકા, નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિ.સ.). બાંગ્લાદેશમાં ઇન્કિલાબ મંચના નેતા શરીફ ઉસ્માન હાદીને, શનિવારે ઢાકા યુનિવર્સિટીમાં દેશના રાષ્ટ્રીય કવિ કાઝી નજરુલ ઇસ્લામની કબર પાસે દફનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના, હાદીના મૃત્યુ પછી દેશમાં ફાટી નીકળેલી હિંસાથી ખૂબ જ દુઃખી છે. તેમનું કહેવું છે કે, યુનુસ સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ ગઈ અને દેશને અરાજકતા તરફ દોરી રહી છે.

મીડિયા અહેવાલોમાં યુનુસ સરકાર પર, લોકશાહીને નબળી પાડવાનો અને રાજકીય રીતે પ્રેરિત નિર્ણયો લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અવામી લીગના વડા શેખ હસીનાએ કહ્યું કે, તેમની સામે ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા ન્યાય નથી પરંતુ રાજકીય બદલો લેવાનું સાધન છે. હાદીના મૃત્યુ વિશે વાત કરતા હસીનાએ કહ્યું કે, આ દુ:ખદ હત્યા કાયદા અને વ્યવસ્થાના અભાવને દર્શાવે છે જેણે તેમની સરકારને પાડી દીધી હતી, અને યુનુસના શાસનમાં તે વધુ ખરાબ થઈ ગઈ છે. હિંસા સામાન્ય બની ગઈ છે. આવી ઘટનાઓ બાંગ્લાદેશને અંદરથી અસ્થિર કરી રહી છે. ભારત આ અરાજકતા, લઘુમતીઓ પરના અત્યાચારો અને આપણે સાથે મળીને બનાવેલી દરેક વસ્તુના અંતની રાહ જોઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે, જ્યારે તમે તમારી સરહદોની અંદર મૂળભૂત વ્યવસ્થા જાળવી શકતા નથી, ત્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર તમારી વિશ્વસનીયતા ખોવાઈ જાય છે. આ યુનુસના બાંગ્લાદેશની વાસ્તવિકતા છે. હસીનાએ કહ્યું કે, અવામી લીગ વિનાની ચૂંટણીઓ ચૂંટણી નહીં પણ રાજ્યાભિષેક હશે. આવી ચૂંટણીઓ દ્વારા રચાયેલી કોઈપણ સરકારમાં શાસન કરવાની નૈતિક સત્તાનો અભાવ હશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી તણાવ અંગે હસીનાએ કહ્યું કે, આ સંપૂર્ણપણે યુનુસને કારણે છે. તેમણે કહ્યું કે, યુનુસની સરકારે કટ્ટરપંથી તત્વોનું રક્ષણ કર્યું છે અને દોષિત આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કર્યા છે. આનાથી દેશની ધર્મનિરપેક્ષ ઓળખ જોખમમાં મુકાઈ છે. તેમણે ચેતવણી આપી હતી કે, આ પરિસ્થિતિ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાની સ્થિરતા માટે ગંભીર ખતરો છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande