
નવી દિલ્હી, 23 ડિસેમ્બર (હિ.સ.): જર્મનીની પાંચ દિવસની મુલાકાત દરમિયાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, ભારતીય જનતા પાર્ટી પર ભારતીય બંધારણની મૂળભૂત ભાવનાને નબળી પાડવાનું કાવતરું કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, ભાજપ બંધારણમાં સમાવિષ્ટ સમાન અધિકારો, રાજ્યોની સમાનતા, ભાષાકીય વિવિધતા અને ધાર્મિક સમાનતાના ખ્યાલોને દૂર કરવા માંગે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ, સોમવારે રાત્રે બર્લિનની હર્ટી સ્કૂલમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથેની તેમની વાતચીતનો લગભગ એક કલાકનો વીડિયો સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યો. વીડિયોમાં, રાહુલે લોકશાહી, સંસ્થાઓ અને વૈશ્વિક પરિસ્થિતિ પર પોતાના વિચારો શેર કર્યા.
તેમણે કહ્યું કે, ભારતની લોકશાહી સંસ્થાઓ સ્વતંત્ર રીતે કાર્ય કરવામાં અસમર્થ છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવી એજન્સીઓનો વિરોધીઓ સામે રાજકીય હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. કોંગ્રેસની લડાઈ માત્ર ભાજપ સામે જ નહીં, પરંતુ સંસ્થાકીય માળખાં અને એજન્સીઓના કથિત કબજા સામે પણ છે.
તેમણે દાવો કર્યો હતો કે, ભારતના હરિયાણા રાજ્યમાં મતદાર યાદીમાં વિદેશી મહિલાનું નામ હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ ચૂંટણી પંચ તરફથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો. રાહુલે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, ભારતમાં વ્યાપક રોજગાર સર્જન માટે મજબૂત ઉત્પાદન ક્ષેત્ર જરૂરી છે. ભાજપ સરકારે કેટલાક મોટા ઔદ્યોગિક જૂથોને પ્રાથમિકતા આપી હતી. નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેવી નીતિઓએ નાના અને મધ્યમ કદના વ્યવસાયોને નુકસાન પહોંચાડ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારત એટલો મોટો અને વૈવિધ્યસભર દેશ છે કે તેનું ભવિષ્ય કોઈ એક વ્યક્તિ દ્વારા નક્કી કરી શકાતું નથી. બંધારણ ભારતને રાજ્યોના સંઘ તરીકે માન્યતા આપે છે, પરંતુ વર્તમાન સરકાર આ મુદ્દા પર વ્યાપક ચર્ચા માટે તૈયાર નથી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ