
નવી દિલ્હી, 25 ડિસેમ્બર (હિ.સ.): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે ભારતના બંધારણનું ઔપચારિક રીતે સંતાલી ભાષામાં લોકાર્પણ કર્યું. બંધારણ સંતાલી ભાષાની અલચીકી લિપિમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, સંતાલી સમુદાય માટે ગર્વ અને આનંદની વાત છે કે ભારતનું બંધારણ હવે તેમની પોતાની ભાષા અને લિપિમાં ઉપલબ્ધ છે. આનાથી સંતાલી ભાષી લોકો બંધારણને સીધા વાંચી અને સમજી શકશે. તેમણે કહ્યું કે, બંધારણની ભાવના અને તેના કલમોને તેમની માતૃભાષામાં સમજવાની તક મળવાથી લોકશાહી વધુ મજબૂત બને છે.
રાષ્ટ્રપતિએ નોંધ્યું કે, 2025નું વર્ષ અલ્ચીકી લિપિના શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, અને આવા મહત્વપૂર્ણ વર્ષમાં અલચીકી લિપિમાં બંધારણનું પ્રકાશન ખૂબ જ પ્રશંસનીય છે. તેમણે આ સિદ્ધિ માટે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અને તેમની ટીમની પ્રશંસા કરી.
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ અને બિહારમાં રહેતા સંતાલી સમુદાય હવે તેમની માતૃભાષા અને લિપિમાં લખાયેલા બંધારણ દ્વારા તેમના અધિકારો અને ફરજોને વધુ સારી રીતે સમજી શકશે.
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ સહિત અન્ય મહાનુભાવો સમારોહમાં હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સંતાલી ભાષા ભારતની પ્રાચીન જીવંત ભાષાઓમાંની એક છે. 2003ના બંધારણના 92મા સુધારા અધિનિયમ દ્વારા તેને આઠમી અનુસૂચિમાં સમાવવામાં આવી હતી. આ ભાષા મુખ્યત્વે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારમાં એક મોટા આદિવાસી સમુદાય દ્વારા બોલાય છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ