
ગીર સોમનાથ 26 ડિસેમ્બર (હિ.સ.) શીખ ધર્મનાં દસમાં ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહના ચાર સાહેબઝાદાઓના અદ્વિતીય શૌર્ય, અડગ સાહસ અને મહાન બલિદાનની સ્મૃતિમાં દર વર્ષે તા.૨૬ ડિસેમ્બરના રોજ “વીર બાળ દિવસ” ની ઉજવવામાં આવે છે.
આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં દેશપ્રેમ, નૈતિક મૂલ્યો, ધર્મનિષ્ઠા અને બલિદાનની ભાવના વિકસે તે માટે પ્રેરણા આપવાનો છે.
ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ અને જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરીચાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ શાળાઓમાં 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓએ હસ્તકલાનું પ્રદર્શન આયોજિત કર્યું હતું. આ ઉપરાંત, નિબંધ લેખન તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સાહેબઝાદાઓના શૌર્ય, ત્યાગ અને અવિસ્મરણીય બલિદાન અંગે પોતાનાં વિચારો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન બાળકોને તેમના મૂળભૂત બાળ અધિકારો અંગે માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.
શિક્ષકો દ્વારા બાળકોને શિક્ષણનો અધિકાર, સુરક્ષાનો અધિકાર, સમાનતા અને ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર જેવી બાબતો સમજાવવામાં આવી, જેથી તેઓ પોતાના અધિકારો અંગે જાગૃત બની શકે.
ગીર સોમનાથ જિલ્લામાં 'વીર બાળ દિવસ'ની ઉજવણી માત્ર સ્મૃતિરૂપે નહીં, પરંતુ મૂલ્ય શિક્ષણ અને બાળ જાગૃતિના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ